ચકલાસી પાલિકામાં ભાજપ પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત

- કામકાજ બાબતે સભ્યો સાથે સંકલન નહીંના આક્ષેપ
- ભાજપના મેન્ડેટવાળા 10, અપક્ષમાંથી ભાજપમાં ગયેલા 6 અને 6 અપક્ષ સભ્યોનો વિરોધ
ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકવા પાછળ મુખ્ય કારણો રજૂ કરવામાં આવ્યા છે. પ્રમુખ દ્વારા ચૂંટાયેલા સભ્યો સાથે કામકાજ બાબતે કોઈ સંકલન કરવામાં આવતું ન હોવાનો આક્ષેપ છે. ઉપરાંત, પ્રજાના હિતના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં પ્રમુખ નિષ્ફળ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા કોઈપણ વિકાસના કામનંન આયોજન કરવામાં આવતું ન હોવાની પણ ફરિયાદ છે. સભ્યોએ જણાવ્યું હતું કે, પ્રમુખ મનસ્વી રીતે નિર્ણય લેતા હોવાથી પ્રજાના હિતમાં કામ થતું નથી. અવિશ્વાસની દરખાસ્ત પર ચકલાસી નગરપાલિકાના કુલ ૨૨ સભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. આ સમગ્ર બાબતે અપક્ષ સભ્યએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ચાર-પાંચ મહિના થયા ઇલેક્શનને અને પ્રમુખને અમે બેસાડયા. તેમ છતાં એક પણ આયોજનનું કામ એમણે કર્યું નથી. એટલે સભ્યોનો અસંતોષ હતો. પ્રમુખમાં કોઈ નિર્ણય લેવાની શક્તિ નથી અને સભ્યો સાથે સંકલન પણ કરતા નથી. સભ્યો જાતે લીકેજો પણ સરખા કરી શકતા ન હતા. એટલે સારા પ્રમુખ બેસાડવા અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છીએ. હવે આ અવિશ્વાસની દરખાસ્ત અંગે આગામી સમયમાં કેવા પ્રકારના પ્રત્યાઘાત પડે છે, તેમજ ભાજપ દ્વારા કોઈ દખલગીરી કરાય છે કે કેમ? તેની પર સૌની નજર છે.
નવા પ્રમુખ માટે પીએલ વાઘેલાને બેસાડવાની હિલચાલ
અવિશ્વાસની દરખાસ્ત વચ્ચે સભ્યો દ્વારા પી. એલ. વાઘેલાને પ્રમુખ તરીકે બેસાડવાની હિલચાલ કરાઈ છે. હાલના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા વિરુદ્ધ અગાઉ પણ ઘણી રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં આરસીએમ અને પક્ષમાં પણ રજૂઆતો કરાયાનું સભ્યોએ જણાવ્યું છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી હવે નવા પ્રમુખ બેસાડવા તમામ સભ્યો મક્કમ બન્યા હોવાનો પણ ગણગણાટ છે.









