- ઉમરેઠ બસસ્ટેન્ડ સામે
- ટ્રાફિક પોલીસ દ્વારા ખાનગી વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
ડાકોર : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ઉમરેઠ બસ સ્ટેન્ડ સામેથી ખાનગી વાહન ચાલકો દ્વારા વાહનમાં ક્ષમતા કરતા વધુ વાહનો ભરવા સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. ટ્રાફિક પોલીસ અને ખાનગી વાહન ચાલકો વચ્ચેના 'માસિક વ્યવહાર'ને કારણે આ ગેરકાયદે પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ઉમરેઠ બસ સ્ટેન્ડની બહાર સીએનજી રિક્ષા, ઇકો સહિતના ખાનગી વાહનોનો જમાવડો જોવા મળે છે. ઉમરેઠથી વાસદ, આણંદ, નડિયાદ અને ડાકોર જેવા રૂટ પર રોજના અંદાજે ૧૨૫થી વધુ ખાનગી દોડે છે. વાહનોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવા સામે ઉમરેઠ ટ્રાફિક પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યોના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક દ્વારા તેમના સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી તેમની કામગીરી પર સવાલો પેદા થઈ રહ્યાં છે.
ટ્રાફિક વિભાગના જ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ, આ ખાનગી વાહનો પાસેથી માસિક હપ્તા ઉઘરાવવામાં આવે છે. જેમાં અલગ અલગ વાહન દીઠ માસિક ૩૦૦, ૫૦૦, ૭૦૦ જેવા હપ્તો ઉઘરાવવામાં આવી રહ્યો છે. અંદાજે ૬૦ હજાર રૂપિયાથી વધુની રકમ હપ્તા પેટે ઉઘરાવવામાં આવતી હોવાની ચર્ચા થઈ રહી છે. તેમજ આ રકમમાં ટ્રાફિક જમાદારથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી ભાગબટાઈદ થતી હોવાથી વાહન ચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ના હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એચ. બુલાન સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આવા કોઈ પણ પ્રકારના હપ્તા ઉઘરાવવામાં આવતા નથી અને પોલીસ નિયમ મુજબ જ પોતાની કામગીરી કરી રહી છે.


