લોકોનો વિરોધ ટાળવા કબ્રસ્તાન ચોકડી પાસે થોડો સામાન હટાવી સંતોષ
મનપાની જમીન પર પાયાથી સ્લેબ સુધીનું ગેરકાયદે બાંધકામ થઈ જવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું : મનપાના અધિકારીઓ અને ભૂમાફિયાઓના મેળાપીપણાથી શહેરમાં સરકારી જમીનો ઉપર દબાણો વધ્યા
નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકાએ કબ્રસ્તાન ચોકડી પાસે ગેરકાયદે દુકાનોનું બાંધકામ તો અટકાવ્યું પરંતુ, આ સ્થાને હજૂ સ્લેબ ભરવા માટે લગાવાયેલો સામાન દૂર કરાયો નથી. મેળાપીપણાના કારણે રાતોરાત સ્લેબ ભરવાની હિલચાલ બાદ મનપાએ થોડો સામાન હટાવી સ્ટન્ટ કર્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
નડિયાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કબ્રસ્તાન ચોકડીની સામે કેટલાક શખ્સો દ્વારા મનપાની જ જગ્યામાં ગેરકાયદે દુકાનોનું બાંધકામ શરૂ કરી દેવાયું હતું. આ મામલો સામે આવ્યા બાદ મનપાની ટીમે થોડો સામાન હટાવી સંતોષ માન્યો હતો. આ સ્થળે હજુ પણ દુકાનોમાં સ્લેબ ફોર્મવર્ક માટે લગાવાયેલા ટેકા અને પ્લેટો સહિત તમામ સામાન યથાવત્ છે. અગાઉ આ જ પ્રકારે તત્કાલીન નગરપાલિકાની ટીમ દ્વારા સાંસદ સુવિધા કેન્દ્રની સામેની દુકાનોનું કામ અટકાવ્યું હતું. આ કામગીરીમાં પણ સ્લેબ ફોર્મવર્ક માટે ટેકા અને પ્લેટો લગાવેલી હતી. કામ બંધ કરાવ્યાના થોડા દિવસો બાદ જ રાતોરાત સ્લેબ ફોર્મવર્ક પુરું કરી દેવાયું હતું. કબ્રસ્તાન ચોકડીની સામેની દુકાનોમાં હાલમાં પણ સ્લેબ ફોર્મવર્ક માટેનો સામાન તોડી નહીં પડાતા આગામી સમયમાં અધિકારીઓ સાથે સોગઠાં ગોઠવી સ્લેબ ભરી દેવામાં આવશે, તેવી શક્યતાઓ છે. આ અંગે ત્વરિત સ્થળ પરથી સ્લેબનો તમામ સામાન હટાવી ગેરકાયદે ઉભું કરાયેલું બાંધકામ દૂર કરવામાં આવે તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. નડિયાદ મનપા તંત્રની બેદરકારીના કારણે વારંવાર શહેરમાં સંખ્યાબંધ સ્થાનોએ ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે. સરકારી જગ્યાઓમાં મોટા પાયે દબાણ છે, પરંતુ તંત્રના અધિકારીઓની આળસના કારણે આ પ્રકારની ગંભીર સમસ્યાઓ સામે કાર્યવાહી થઈ રહી નથી. નડિયાદ શહેરમાં દબાણો સંદર્ભે તંત્ર યોગ્ય નિર્ણય લે તેવી માંગ પ્રબળ બની છે.
- મરીડા ભાગોળ પાસે ટ્રસ્ટની જગ્યામાં દુકાનો બનાવી દેવાઈ
કબ્રસ્તાન ચોકડી પાસે જે ભૂમાફિયાઓ દ્વારા રાતોરાત સરકારી જગ્યામાં દુકાનો ઉભી કરી છે તેમણે જ મરીડા ભાગોળની ચોકડીથી વળાંક તરફ સરકારી છાત્રાલય અને ટ્રસ્ટની જગ્યામાં ગેરકાયદે દુકાનો અને ઓફિસોનું બાંધકામ કરી તેનો કોમર્શિયલ ઉપયોગ શરૂ કરી દીધો છે. આ સંદર્ભે ઉચ્ચકક્ષાએ તપાસ કરાય તો કૌભાંડ બહાર આવવાની સંભાવના છે.
- નોટિસનો જવાબ આવ્યા બાદ કાર્યવાહી કરાશે : ડેપ્યુટી કમિશનર
આ અંગે નડિયાદ મનપાના ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદળે જણાવ્યું હતું કે, કબ્રસ્તાન ચોકડી પાસે ગેરકાયદે દુકાનો બનાવવાનું કામ રાતના સમયે અટકાવ્યું હતું. મશીનરી પણ જપ્ત કરી હતી. તેના માટે વેરીફાય કરવા ટીમ મોકલી છે. ગેરકાયદે હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દુકાનો બનાવનારને આપેલી નોટિસોનો જવાબ આવ્યા બાદ કાર્યવાહી કરાશે.


