Get The App

નિઝામપુરાના દંપતીએ ધંધામાં રોકાણના નામે અનેકને ઠગી લીધા,14 લાખ ગુમાવનાર વેપારીની ફરિયાદ

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
નિઝામપુરાના દંપતીએ ધંધામાં રોકાણના નામે અનેકને ઠગી લીધા,14 લાખ ગુમાવનાર વેપારીની ફરિયાદ 1 - image

વડોદરાઃ નિઝામપુરા વિસ્તારમાં સ્ટેશનરી અને મોબાઇલની એસેસરીઝની દુકાન ધરાવતા એક દંપતીએ કેટલાક લોકો પાસે રૃપિયા પડાવી લઇને રફુચક્કર થઇ ગયા હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશને નોંધાઇ છે.

નિઝામપુરાના પરિમલપાર્કમાં રહેતા અને દાંડિયાબજાર રોડ પર લાઇટનો શો રૃમ ધરાવતા ભૌમિક શાહે પોલીસને કહ્યું છે કે, ધાર્મિક કાર્યક્રમો દરમિયાન મારો પરિચય કેયૂર અશ્વિનભાઇ શેઠ અને તેની પત્ની રિધ્ધી સાથે થયો હતો.ત્યારબાદ છેલ્લા આઠેક મહિનાથી તેઓ અમારી સોસાયટીમાં રહેવા આવ્યા હતા.

નિઝામપુરાના અર્પણ કોપ્લેક્સમાં કેએસ મોબાઇલ અને સ્ટેશનરીના નામે દુકાન ધરાવતા કેયૂર અને રિધ્ધિ જાન્યુઆરી-૨૦૨૬માં મારે ઘેર મળવા આવ્યા હતા.તેમણે સ્કૂલો-કોલેજો ચાલુ થવાનો વખત હોવાથી ધંધામાં રોકાણ કરશો તો સારું વળતર મળે તેમ હોવાનું કહેતાં મેં તેમને તબક્કાવાર રૃ.૧૪.૮૦ લાખ આપ્યા હતા.

વેપારીએ કહ્યું છે કે,ત્યારબાદ બીજા જ દિવસે તેઓ ફરાર થઇ ગયા હતા.જેથી તપાસ કરતાં તેમના પિતાએ પણ તેમને કાંઇ જ ખબર નહિ હોવાનું કહ્યું હતું.મારી જેમ બીજા પણ લોકો પાસે આવી રીતે રૃપિયા લીધા હોવાની જાણ થઇ છે.જેથી પોલીસની તપાસમાં કેટલા લોકો ઠગાયા છે તેની માહિતી ખૂલશે.