Gujarat

નવમાં દિવસે વિનોદચંદ્ર પટેલના અગ્નિસંસ્કાર કરાયા, પત્ની ઉષાબેનના ડીએનએ મેચ થયા નથી

By GS TEAM
20 Jun 20251 min read
નવમાં દિવસે વિનોદચંદ્ર પટેલના અગ્નિસંસ્કાર કરાયા, પત્ની ઉષાબેનના ડીએનએ  મેચ થયા નથી


અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પુત્રને મળવા લંડન જઈ રહેલ નિઝામપુરાના દંપતીનું કરુણ મોત નીપજ્યું હતું. આજે દુર્ઘટનાના નવમા દિવસે વિનોદચંદ્ર પટેલના અંતિમ સંસ્કાર કરાયા હતા. જો કે,પત્ની ઉષાબેનના ડીએનએ  મેચ થયા નથી. જેથી માતાની અંતિમક્રિયા માટે પુત્રએ હજુ રાહ જોવી પડશે. ઘટનાના નવ દિવસ બાદ પણ ત્રણ પરિવારોને પોતાના સ્વજનોના મૃતદેહ મળ્યા નથી.

નિઝામપુરાની ડીલક્ષ સોસાયટીમાં રહેતા વિનોદચંદ્ર પટેલ પત્ની ઉષાબેન પટેલ સાથે લંડન સ્થાયી થયેલ પુત્રને મળવા માટે જઈ રહ્યા હતા. ત્યારે પ્લેન ક્રેશ થતા દંપતી મોતને ભેટ્યું હતું.  ડીએનએ મેચ થતા વિનોદચંદ્ર પટેલનો પાર્થિવદેહ આજે તેમના નિવાસ્થાને આવી પહોંચતા પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેઓની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વડીવાડી સ્મશાન ખાતે તેઓના અગ્નિસંસ્કાર કરાયા હતા. 


અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, આ દુર્ઘટનામાં વડોદરાના 25 હતભાગી પ્રવાસીઓની ડીએનએ પ્રક્રીયા બાદ ઓળખ સંપન્ન થતા તમામ પ્રવાસીઓના પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ 3 પ્રવાસીઓના ડીએનએ પરિણામની રાહ જોવાઇ રહી છે. જેમાં સાદીકાબાનું તપેલીવાલા, વસંતલાલ પેશાવરિયા અને ઉષાબેન વિનોદચંદ્ર પટેલનો સમાવેશ થાય છે.