NIRF રેન્કિંગ : MSU ટોપ 200માં પણ નહીં, અત્યાર સુધીનો સૌથી શરમજનક દેખાવ
Vadodara M S University : NIRF(નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક )ના જાહેર કરાયેલા રેન્કિંગમાં એમ એસ યુનિવર્સિટી ટોપ 200માંથી પણ બહાર ફેંકાઈ ગઈ છે. યુનિવર્સિટીનો NIRFમાં આ અત્યાર સુધીનો સૌથી શરમજનક દેખાવ છે.
NIRF રેન્કિંગ શરુ કરાયું તે વર્ષે યુનિવર્સિટીએ 76મો ક્રમ મેળવ્યો હતો. એ પછી યુનિવર્સિટીનો દેખાવ સતત કથળતો રહ્યો છે. ગત વર્ષે યુનિવર્સિટીને 151થી 200ની વચ્ચે સ્થાન મળ્યું હતું. આ વર્ષે ઓવર ઓલ અને યુનિવર્સિટી રેન્કિંગ એમ બંને કેટેગરીમાં યુનિવર્સિટી ટોપ 200માં નથી.
કૉલેજના રેંકિંગમાં પણ યુનિવર્સિટીની બે પ્રતિષ્ઠિત ટૅક્નોલૉજી અને ફાર્મસી ફેકલ્ટીનું પણ ધોવાણ થયું છે. ટૅક્નોલૉજી ફેકલ્ટીને 201થી 300ની વચ્ચે ક્રમ મળ્યો છે. ફાર્મસી ફેકલ્ટી 46મા ક્રમે રહી છે. 2023માં ફાર્મસીને 30મો ક્રમ મળ્યો હતો.
યુનિવર્સિટીમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓ અને સંશોધનનું કથળતું સ્તર, સરકારની ઉપેક્ષા જેવા પરિબળો યુનિવર્સિટીની પડતી માટે જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.