સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષાથી ખેડૂતો ખુશ 20 તાલુકાઓમાં દોઢથી સવા ત્રણ ઈંચ

સચરાચર હળવો-મધ્યમ વરસાદ કૃષિ-બાગાયત માટે ખૂબ લાભદાયી : કાલાવાડ,રાણાવાવમાં સવા ત્રણ ઈંચઃ જુનાગઢ, માણાવદર અઢી ઈંચ, જેતપુર, દ્વારકા, જોડિયા, લોધિકા, ગોંડલ, ખંભાળિયા, વંથલી, ભાણવડ, લાલપુર, ધોરાજી, ધ્રોલ બે ઈંચ સહિત રાજ્યના 151 તાલુકામાં મેઘમહેર
રાજકોટ, : આજે 20 તાલુકાઓમાં દોઢથી સાડા ત્રણ ઈંચ અને અન્ય ઝાપટાંથી દોઢ ઈંચ સહિત વ્યાપક અમીવર્ષા થઈ છે. શહેરી વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી એકંદરે આજનો વરસાદ મુશળધાર નહીં પણ સચરાચર રહ્યો છે જે કૃષિ અને બાગાયત,વનસ્પતિ માટે ખૂબ લાભદાયી મનાય છે. એકંદરે સતત ભીનો ભીનો માહૌલ રહ્યો હતો. રાજ્યમાં આજે 151 તાલુકાઓમાં સવારે 6થી રાત્રિના 8 સુધીમાં વરસાદ નોંધાયો છે જેમાં સર્વાધિક વરસાદ જામનગર જિ.ના કાલાવડ તાલુકામાં 81 મિ.મિ.(સવા ત્રણ ઈંચ) જ્યારે પોરબંદરના રાણાવાવમાં 3 ઈંચ ઉપરાંત જુનાગઢ શહેર-તાલુકામાં અઢી ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાંજે માત્ર 2 કલાકમાં રાણાવાવમાં અઢી ઈંચ અને પોરબંદરમાં પોણો ઈંચ પાણી વરસી ગયું હતું તો જુનાગઢમાં સવા બે ઈંચ ધોધમાર વરસાદથી શહેરમાં ફરી પાણી ભરાયા હતા.
યાત્રાધામ દ્વારકામાં આજે વધુ સવા બે ઈંચ, ખંભાળિયામાં 2 ઈંચ, કલ્યાણપુરમાં પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો તો દ્વારકા પાસેના જામનગર જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદના અહેવાલોા છે જેમાં કાલાવડ ઉપરાંત જોડિયામાં બે ઈંચથી વધુ, લાલપુરમાં 2 ઈંચ, જામનગર શહેર તાલુકામાં અને ધ્રોલ,જામજોધપુર તાલુકામાં દોઢ ઈંચ સહિત સાર્વત્રિક વરસાદ રહ્યો હતો. પોરબંદરમાં રાણાવાવમાં ત્રણ ઈંચ ઉપરાંત કુતિયાણામાં દોઢ ઈંચ, પોરબંદર પોણો ઈંચ સહિત સાર્વત્રિક વરસાદ રહ્યો હતો. જિલ્લામાં ગઈકાલે વરસાદી વિરામ બાદ આજે મેઘરાજા સક્રિય બન્યા હતા અને જેતપુર અને લોધિકામાં ધોધમાર સવા બે ઈંચ, ગોંડલ અને ધોરાજી તાલુકામાં આશરે 2 ઈંચ, જામકંડોરણા દોઢ ઈંચ, ઉપલેટા સવા ઈંચ, રાજકોટમાં પોણાથી એક ઈંચ,પડધરીમાં પોણો ઈંચ વરસાદ સાથે મેઘવર્ષા થઈ હતી. મોરબી જિલ્લાના ટંકારામાં મોરબીમાં એક ઈંચ, ટંકારામાં પોણો ઈંચ, વાંકાનેરમાં અર્ધો ઈંચ ,હળવદમાં ઝાપટાં સહિત સચરાચર વરસાદથી જિલ્લો જળતરબોળ રહ્યો હતો. જુનાગઢ જિલ્લામાં આજે પણ વરસાદનું જોર જારી રહ્યું હતું જેમાં જુનાગઢ શહેર તાલુકા અને માણાવદર તાલુકામાં ધોધમાર અઢી ઈંચ ઉપરાંત વંથલીમાં 2 ઈંચ, ભેંસાણ દોઢ ઈંચ, મેંદરડા અને વિસાવદરમાં પોણો ઈંચ સહિત સોરઠમાં પણ મેઘરાજા સચરાચર વરસ્યા હતા. આ ઉપરાંત અમરેલીના કુંકાવાવ વડિયાાં પોણો ઈંચ અને અન્યત્ર હળવા ભારે ઝાપટાં વરસ્યા છે.









