વડોદરામાં નીલગીરી એપાર્ટમેન્ટનો વિવાદ : 2023માં લાઈટ પાણી ડ્રેનેજના કનેક્શનો કાપી નંખાયા છે : તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર
Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદળજા-સન ફાર્મા રોડ પર પાલિકા તંત્ર દ્વારા વર્ષો અગાઉ નીલગીરી એપાર્ટમેન્ટમાં 240 જેટલા મકાનો બનાવ્યા હતા. પરંતુ જર્જરિત અવસ્થામાં બની જતા 2023માં તંત્ર દ્વારા લાઈટ, પાણી, ડ્રેનેજના કનેક્શનનો તાત્કાલિક ધોરણે કાપીને આગામી દિવસોમાં ફરી એકવાર બે મહિનામાં નવા મકાનો બનાવી આપવામાં આવશે તેવું આશ્વાસન આપવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્થાનિક રહીશો તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચાર કરીને પાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તાંદલજા સનફાર્મા રોડ પર નીલગીરી એપાર્ટમેન્ટના 240 મકાનો 20 વર્ષ અગાઉ બનાવવામાં આવ્યા હતા. આ મકાનો-ફ્લેટ જર્જરિત અવસ્થામાં અવસ્થામાં થતા પાલિકા તંત્ર દ્વારા ઠાલા વચનો આપીને લાઈટ પાણી ડ્રેનેજના કનેક્શનો 2023માં કાપી નાખ્યા હતા.
ત્યારે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે બે મહિનામાં નવા મકાનો બનાવવાનું શરૂ કરાશે. આમ છતાં આજ દિન સુધી આ બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી. અગાઉ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવામાં આવી ત્યારે તેમણે સાંત્વના આપી તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવા જણાવ્યું હતું. પરંતુ આજ દિન સુધી મકાનો અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. જોકે અગાઉ પણ આ બાબતે સ્થાનિક રહીશોએ તંત્રને આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું.
જ્યારે બીજી બાજુ રોષે ભરાયેલા સ્થાનિક સ્થાનિક રહીશોએ આજે નીલગીરી એપાર્ટમેન્ટના પ્રવેશ દ્વારે તંત્ર સમક્ષ ભારે વિરોધી સૂત્રોચાર કર્યો હતો. આગામી દિવસોમાં આ બાબતે કોઈ કાર્યવાહી નહીં થાય તો પાલિકા તંત્રના અધિકારીઓ સામે આંદોલન શરૂ કરવા સ્થાનિક સ્થાનિકોએ ચીમકી આપી હતી.