Get The App

૩૩ વર્ષથી ખેડૂતો માથે હાથ દઇને બેસી રહ્યા છે NHAIના રિઝર્વેશનના કારણે પશ્ચિમ વિસ્તારના વિકાસને બ્રેક લાગી ગઇ

૩૦ કિ.મી. લાંબી જમીન પર NHAIએ ૬૦૦ મીટર એલાઇનમેન્ટ રિઝર્વેશન રાખી માત્ર ૧૨૦ મીટર જમીન સંપાદન કરતા અન્ય જમીનો વર્ષોથી પડી રહી છે

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
૩૩ વર્ષથી ખેડૂતો માથે હાથ દઇને બેસી રહ્યા છે  NHAIના રિઝર્વેશનના કારણે પશ્ચિમ વિસ્તારના વિકાસને બ્રેક લાગી ગઇ 1 - image

વડોદરા, તા.16 વડોદરાના પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતાં મુંબઇ-વડોદરા એક્સપ્રેસ હાઇવે માટે વડોદરા અને પાદરા તાલુકાના ૨૩ ગામોની જમીનો માટે નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા રોડની એલાઇનમેન્ટમાં ૩૦ કિલોમીટર લાંબી જમીન પર ૬૦૦ મીટરનું રિઝર્વેશન મૂકી દેવામાં આવ્યું હતું જ્યારે હાઇવે માટે રોડની પહોળાઇ મુજબ માત્ર ૧૨૦ મીટર જમીન સંપાદન કરવામાં આવી છે અને બાકીની રોડની બંને  બાજુ ૨૪૦-૨૪૦ મળી કુલ ૪૮૦ મીટર જમીન પર હજી પણ રિઝર્વેશન હોવાથી આ જગ્યાઓ પર છેલ્લા ૩૩ વર્ષથી વિકાસના કોઇ કામો નહી થઇ શકતાં બંને તાલુકાના ૨૩ ગામોના વિકાસ પર મોટી અસર પડી છે.

વર્ષ-૧૯૯૨માં મુંબઇ-વડોદરા અને વડોદરાથી દિલ્હી વચ્ચે સૂચિત એક્સપ્રેસ હાઇવે બનાવવાનું નેશનલ  હાઇવે ઓથોરિટિ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું અને તે સમયે નોટિફિકેશન બહાર પાડી વડોદરા જિલ્લાના વડોદરા, પાદરા તેમજ કરજણ તાલુકાના ક્યાં ગામોની જમીનો સંપાદન કરવાની થાય છે તે નક્કી કરી ત્રણે તાલુકાના ગામોની જમીનોના એલાઇનમેન્ટમાં ૬૦૦ મીટર જમીન પર રિઝર્વેશન મૂકી દેવાયું હતું.

આ રિઝર્વેશનના કારણે રોડ માટે ૬૦૦ મીટર પહોળાઇમાં ખેડૂતો જમીનને હેતુફેર કરાવી શક્યા ન હતાં. ત્યારબાદ એક્સપ્રેસ વે એટલે કે એનઇ-૧ બનાવવાનું કામ ચાલુ થયું અને રોડ માટે હાઇવે ઓથોરિટિ દ્વારા માત્ર ૧૨૦ મીટરની એલાઇનમેન્ટ રાખી જમીનનો સંપાદન કરીને ઉપયોગ કરવામાં આવ્યો. જ્યારે રોડની બંને બાજુ કુલ ૪૮૦ મીટર જમીન પર ખેડૂતો ખેતી સિવાય અન્ય કોઇ રીતે જમીનનો ઉપયોગ કરી શકતા નથી.

જમીન પર ડેવલોપમેન્ટ માટે કોઇ પ્લાન નક્કી કરી સરકારી કચેરીમાં રજૂ કરે તો રિઝર્વેશનનો મુદ્દો ઊભો કરી જમીનમાં હેતુફેર કરવામાં આવતું નથી. વડોદરાની પશ્ચિમ દિશામાં હવે એક્સપ્રેસ વે તૈયાર થઇ ગયો છે અને વાહનોની અવરજવર પણ શરૃ કરી દેવામાં આવી છે પરંતુ વડોદરા અને પાદરા તાલુકાના ૨૩ ગામોના રોડનું રિઝર્વેશન હજી દૂર કરવામાં આવતું નથી. વડોદરાનો પશ્ચિમ વિસ્તાર ખૂબ ઝડપથી વિકાસ પામતો વિસ્તાર છે. રોડ તૈયાર થઇ ગયા બાદ રિઝર્વેશન ઉઠાવી લેવાના બદલે હજી પણ રિઝર્વેશન યથાવત રાખતા ખેડૂતોને પોતાની જમીનનો કોઇ આર્થિક લાભ મળતો નથી. ૨૩ ગામોની જમીનો પરનું રિઝર્વેશન હટાવી લેવા માટે માત્ર ખેડૂતો જ નહી પરંતુ સરકારી તંત્ર પણ આ અંગે હાઇવે ઓથોરિટિ સમક્ષ માંગણી કરે છે પરંતુ હજી પણ આ પોલિસિ મેટર છે તેમ જણાવી હાઇવે ઓથોરિટિએ સમગ્ર વિસ્તારના વિકાસ પર બ્રેક મારી દીધી છે.

વુડા અને કલેક્ટર કચેરી દ્વારા પત્રવ્યવહાર છતાં રિઝર્વેશન હટાવાતું નથી

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગામો જેવાં કે શેરખી, સિંઘરોટ, સમીયાલા તેમજ પાદરા તાલુકાના વિકસિત ગામોની જમીનોમાં હાઇવે ઓથોરિટિના રિઝર્વેશનના કારણે મહેસૂલ વિભાગ અથવા વુડા દ્વારા ખેડૂતોને જમીનો પર કોઇપણ પ્રકારના હેતુફેર માટે મંજૂરી આપવામાં આવતી નથી. વુડા દ્વારા તેમજ કલેક્ટર દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટિને આ અંગે પત્ર લખી ઝડપથી યોગ્ય નિર્ણય લેવા માટે જણાવાયું છે પરંતુ હાઇવે ઓથોરિટિ દ્વારા આ પોલિસિ મેટર છે તેમ કહી સમગ્ર મુદ્દા પર પડદો પાડી દેવામાં આવે છે.

 જમીનો પરના રિઝર્વેશનના કારણે વુડાની વિકાસ યોજના પણ ઘોંચમાં

વુડા દ્વારા વડોદરાના વિકાસ માટે દ્વિતિય પુનરાવર્તિત વિકાસ યોજનાને ૧૦ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે તેમજ વુડાના આ ડેવલોપમેન્ટ પ્લાન માટે પણ હાઇવે ઓથોરિટિનું રિઝર્વેશન ધરાવતી જમીનોના કારણે યોગ્ય નિર્ણય લઇ શકાતો નથી. વુડાની વિકાસ યોજના હાલ અંતિમ તબક્કામાં છે તેમજ વુડાનો આદર્શ નકશો બનાવવા માટે પણ જમીનો પરના રિઝર્વેશનના કારણે છેલ્લા ઘણા સમયથી કોઇ કાર્યવાહી થઇ શકતી નથી.

હાઇવે ઓથોરિટિના રિઝર્વેશન વાળી ૮૦ ટકા જમીન પડી રહી છે

મુંબઇ-વડોદરા એક્સપ્રેસ વે માટે નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા વડોદરા તાલુકાના ૧૪ તેમજ પાદરા તાલુકાના ૯ ગામોની જમીનો સંપાદન કરવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં ૫૪.૪ કિ.મી. લંબાઇના હાઇવે માટે કુલ ૭૨૧.૩૫ હેક્ટર જમીન સંપાદન કરી જમીન માલિકોને વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું. મહત્વની  બાબત એ છે કે હાઇવે ઓથોરિટિ દ્વારા જે જમીનો પર રિઝર્વેશન મૂકી દીધું છે તેની સામે માત્ર ૨૦ ટકા જ જમીન સંપાદન કરી હાઇવે બનાવી દીધો છે જ્યારે ૮૦ ટકા જમીનો પર રિઝર્વેશન હજી પણ છે અને આ જમીનોના હેતુફેર થઇ શકતા નથી.

 જિલ્લામાં કુલ રૃા.૧૫૭૬.૬૧ કરોડ વળતર જમીન માલિકોને ચૂકવાયું

વડોદરા જિલ્લામાંથી પસાર થતાં મુંબઇ-વડોદરા એક્સપ્રેસ હાઇવે એનઇ-૧ માટે સંપાદન કરવામાં આવેલી જમીન માટે કુલ રૃા.૧૫૭૬.૬૧ કરોડનું વળતર જમીન માલિકોને ચૂકવવામાં આવ્યું છે. જ્યારે હજી રૃા.૪૮.૩૪ કરોડનું વળતર ચૂકવવાનું બાકી છે. વડોદરા જિલ્લામાં સૌથી વધુ વડોદરા તાલુકાના ૧૪ ગામો માટે રૃા.૧૩૦૬.૭૯ કરોડ ચૂકવાયું છે જ્યારે પાદરા તાલુકામાં રૃા.૨૦૩.૪૧ કરોડ અને કરજણ તાલુકામાં રૃા.૬૬.૪૦ કરોડ વળતર ચૂકવવામાં આવ્યું છે.

વર્ષોથી રિઝર્વેશનના કારણે ખેડૂતો અને સરકારને મોટું નુકસાન

૩૦ કિ.મી. લાંબી જમીન પર રિઝર્વેશનના કારણે ખેડૂતોને પણ વર્ષોથી કોઇ લાભ મળતો નથી. ખેડૂતો સસ્તા ભાવે જમીનો વેચવા માટે મજબૂર બની રહ્યા છે. ખેડૂતોને મોટું નુકસાન થઇ રહ્યું છે અને સરકાર પણ પ્રિમિયમ અથવા અન્ય રીતે મળતી આવક ગુમાવી રહ્યું છે. ખેડૂતો આ જમીન પર કશું નહી કરી શકતાં આર્થિક રીતે મોટો ફટકો પડી રહ્યો છે.