ગુજરાતના IAS ગૌરવ દહિયાના પ્રેમ પ્રકરણ કેસમાં હવે નવો વળાંક આવશે
- મુખ્યમંત્રીએ રચેલી IAS અધિકારીની કમિટીની બેઠક સોમવારે મળશે ત્યાર બાદ કાર્યવાહી આગળ ચાલશે
ગાંધીનગર, તા. 26 જુલાઇ 2019, શુક્રવાર
ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની એક યુવતીએ ફરિયાદ કરતા તેમજ દયાએ પણ ગાંધીનગર પોલીસમાં આ યુવતીના વિરોધમાં ખંડણીની તેમજ ધમકી આપતી હોવાની ફરિયાદ કરી છે.
એક IAS અધિકારીનું પ્રેમ પ્રકરણ બહાર આવતાં ગાંધીનગર સચિવાલયમાં આ મુદ્દો ભારે ચગ્યો છે તેમજ જાતજાતની ચર્ચા પણ થઈ રહી છે. સામસામે ફરિયાદો અને આક્ષેપબાજી થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે જ એક હાઇ લેવલની કમિટીની રચના કરી છે.
આ કમિટી સમગ્ર બનાવની તપાસ કરશે આ સમિતિમાં સિનિયર IAS અધિકારી સુનયના તોમર વડા તરીકે છે જ્યારે અન્ય ત્રણ IAS મહિલા અધિકારીઓ પણ આ સમિતિમાં છે જેમાં મમતા વર્મા, સોનલ મિશ્રા, દેવી પંડ્યાનો સમાવેશ થાય છે.
આજે વિધાનસભામાં બજેટ સત્ર પૂરું થયું છે હવે સોમવારે આ સમિતિની બેઠક ગાંધીનગર ખાતે મળવાની છે જેમાં દહિયા અને દિલ્હીની યુવતીને પણ બોલાવશે. બન્નેના નિવેદન લેવાશે જેથી કોણ સાચું બોલે છે અને કોણ ખોટું તેનું કારણ કાઢી શકાય.
તપાસ કર્યા બાદ તેનો એક અહેવાલ મુખ્યમંત્રીને અપાશે આમ આગામી દિવસોમાં IAS અધિકારી દરિયાના પ્રેમ પ્રકરણમાં નવો વળાંક આવશે. સમિતિના અહેવાલમાં જો IAS અધિકારી દોષિત થશે તો સરકાર વિરૂદ્ધ કડક પગલાં લેશે. દરમિયાનમાં મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા નવી દિલ્હી અમદાવાદ આવી ગયા છે. તેઓ બે દિવસ ગુજરાતમાં રોકાશે.
આજે તેઓ સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા જશે. દરમિયાન મહિલા આયોગના અધ્યક્ષા ગુજરાતમાં આવી જતા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે કે IAS અધિકારી ગૌરવ દહિયાના પ્રકરણના મુદ્દે તેઓ અહીં તપાસ કરવા આવ્યા છે તેમજ મુખ્યમંત્રીએ નીમેલી સમિતિના સભ્યો પણ તેમની મુલાકાત કરશે પરંતુ આ બાબતને કોઈ સમર્થન મળતું નથી.
દરમિયાન જાણવા મળે છે કે મુખ્યમંત્રીએ નીમેલી સમિતિની એક બેઠક સોમવારે સવારે ગાંધીનગરમાં મળશે.