સુરત સ્માર્ટ સિટી હોવાનો દાવો, પણ હાલત ગામડા જેવી, વરસાદે ખોલી પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ
Surat :સ્માર્ટ સિટી સુરતમાં વરસાદની બીજી ઇનિંગ શરૂ થતા જ મહાનગરપાલિકાની સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમની પોલ ફરી એકવાર ખુલી પડી છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરી દીધા, જેમાં પાલિકાનું નવું આઈકોનિક બિલ્ડિંગ બની રહ્યું છે તેની સામેનો રસ્તો પણ જળબંબાકાર બન્યો હતો. ટ્રાફિકથી સતત ધમધમતા રિંગરોડ, લિંબાયત અને ડિંડોલીના ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા હતા, જેના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
રસ્તા-વાહનો ડૂબ્યા, ગરનાળા ગરકાવ
આજે સવારથી જ વરસાદનું એલર્ટ હતું અને સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. વરસાદ શરૂ થતાંની સાથે જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થયું. સુરત પાલિકા દ્વારા રિંગરોડ પર સબ જેલ ખાતે નવા વહીવટી ભવન માટે આઈકોનિક બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે. આ બિલ્ડિંગની સામે જ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ રોડ પર જ વરસાદી પાણીનો ભારે ભરાવો જોવા મળ્યો હતો. આ રસ્તો દિવસભર ટ્રાફિકથી ધમધમતો હોવાથી પાણી ભરાવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્માર્ટ સિટીના પોકળ દાવા, અનિયંત્રિત બાંધકામથી હાલાકી
રિંગરોડ પર કલાકો સુધી ફસાયેલા એક વાહનચાલકે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, "રોજિંદા આ જ હાલત છે. સ્માર્ટ સિટીના દાવાઓ ક્યાં ગયા? અમને સમયસર ઓફિસે પહોંચવામાં પણ મુશ્કેલી પડે છે. પાલિકા પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા દાવા કરે છે, પણ પરિણામ શૂન્ય છે."
તો એક સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું છે કે, "આ સમસ્યા માત્ર ડ્રેનેજ સિસ્ટમની જ નહીં, પરંતુ અનિયંત્રિત બાંધકામ અને પાણીના કુદરતી પ્રવાહોને અવરોધવાના કારણે પણ ઉદ્ભવે છે. જ્યાં સુધી શહેરી વિકાસમાં આ મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યાઓ યથાવત રહેશે."
સુરતના નાગરિકો ત્રાહિમામ
આ ઉપરાંત, ડિંડોલી અને લિંબાયત ગરનાળા, જે શહેરમાં અવરજવર માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે, તે બંને ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સવારે નોકરી-ધંધે જતા હજારો લોકો આ ગરનાળાનો ઉપયોગ કરતા હોવાથી પાણી ભરાયેલા હોવાને કારણે અનેક વાહનચાલકો ફસાયા હતા. કેટલાક વાહનચાલકોએ પાણીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના વાહનો બંધ પડી ગયા હતા, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી.
પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ
આજના વરસાદે ફરી એકવાર શહેરના મહત્વના અને ધમધમતા રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે પાલિકાની સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક અને પ્રિ-મોન્સૂન કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ છે કે સામાન્ય વરસાદમાં પણ શહેરના લોકોને જળભરાવ અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગત વર્ષે પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પાલિકા દ્વારા સુધારાત્મક પગલાં લેવાની ખાતરી અપાઈ હતી, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે.
શું સુરત ખરેખર 'સ્માર્ટ સિટી'ના ખિતાબને લાયક છે, કે પછી માત્ર ચોમાસા પૂરતો જ આ 'સ્માર્ટનેસ' અદૃશ્ય થઈ જાય છે? તંત્ર ક્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે તે જોવું રહ્યું.