નિષ્ઠુર માતા નવજાત બાળકને સોલા સિવિલમાં મૂકીને ફરાર, સિક્યુરિટી ગાર્ડે પોલીસને કરી જાણ
Ahmedabad News : અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું છે. આશરે 8 દિવસનું બાળક જીવીત હાલતમાં મળી આવ્યું. સિક્યુરિટી ગાર્ડ દ્વારા હોસ્પિટલ સત્તાધીશોને ત્યજી દેવાયેવ નવજાત બાળક અંગેની જાણ કરવામાં આવી હતી. સોલા પોલીસ મથકે બાળકને ત્યજી દેનાર માતા સામે ફરિયાદ નોધાઈ છે.
સોલા સિવિલમાં વેઇટિંગ એરિયામાંથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળ્યું
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, નવજાત શિશુ આઠ દિવસ છે અને ગત 19 સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ હોસ્પિટલના કેસ-ફાઈલ વેઈટિંગ એરિયામાં રડતું મળી આવ્યું હતું. સમગ્ર મામલે સુપરવાઇઝર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સોલા સિવિલ હોસ્પિટલની પાછળ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા સુપરવાઇઝરે પોલીસને જણાવ્યું હતું કે, સુરક્ષા ગાર્ડને સૌપ્રથમ બાળક દેખાતા તેમણે મને જાણ કરી હતી. જેથી હું ત્યાં દોડી ગયો હતો અને બાળક રડતું જોતાં આ મામલે હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારીને જાણ કરી હતી. જેમાં તેમણે બાળકને તબીબી સંભાળ માટે MICU વોર્ડમાં દાખલ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ અને મહિલાની ઓળખ કરવા માટે હોસ્પિટલના મુલાકાતીઓ અને સ્ટાફ સાથે વાત કરી રહ્યા છીએ."