Get The App

ધોળકાની જતન ચિલ્ડ્રન હોસ્પિટલમાં 82 દિવસની સારવાર બાદ નવજાત બાળકનું મોત

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
ધોળકાની જતન ચિલ્ડ્રન હોસ્પિટલમાં 82 દિવસની સારવાર બાદ નવજાત બાળકનું મોત 1 - image

ખેડાની હોસ્પિટલમાં અધૂરા માસે જન્મેલા બાળકને લાવવામાં આવ્યું હતું

રૃ.૭ લાખનું બિલ બનાવાય બાદ 'બાળકને બહાર ફેંકી દેવાની' ધમકી આપ્યાનો પરિવારનો આક્ષેપ ઃ પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી

બગોદરાધોળકાની જતન ચિલ્ડ્રન હોસ્પિટલમાં ૮૨ દિવસની લાંબી સારવાર બાદ બાળકે દમ તોડતા પરિવારે યોગ્ય જાણકારી આપવામાં આવી નહોતી અને માત્ર આથક શોષણ કરવાનો આક્ષેપો કર્યા છે. આ મામલે વિવાદ થતાં પોલીસ દોડી આવી હતી અને પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  

ખેડાના હરિયા ગામના પરિવારની સગર્ભાને ગત તા. ૩૧/૧૦/૨૦૨૫ના રોજ પ્રસવ પીડા ઉપડતા ખેડાની હલીમા હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં અધૂરા માસે બાળકનો જન્મ થયો હતો. બાળકની સ્થિતિ નાજુક હોવાથી જતન હોસ્પિટલના ડા. સુહાસ પટેલને સલાહ માટે બોલાવવામાં આવ્યા હતા. ડાક્ટરે બાળકનું વજન ઓછું હોવાથી (૮૦૦ ગ્રામ) તેને ૪૫ દિવસ 'પેટી' (એનઆઇસીયુ)માં રાખવા અને અંદાજે ૨થી ૨.૫૦ લાખનો ખર્ચ થશે તેમ કહી ધોળકા ખસેડવા જણાવ્યું હતું.

બાળકને જતન હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ૪૫ દિવસને બદલે ૮૩ દિવસ સુધી પેટીમાં રાખવામાં આવ્યું હતું. પરિવારનો આક્ષેપ છે કે રૃ.૨.૫૦ લાખના બદલે હોસ્પિટલે ૭ લાખથી વધુનું બિલ બનાવ્યું છે. પરિવારે જણાવ્યું કે વધુ નાણાંની માંગણી કરી ડોક્ટરોએ ધમકી આપી હતી કે, 'જો બાળકને અહીંથી નહીં લઈ જાવ તો અમે તેને હોસ્પિટલની બહાર મૂકી દઈશું.' પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને પરિવારની અરજી નોંધી હતી.

પોલીસ દરમિયાનગીરી અને વિવાદ વચ્ચે ગત બુધવારે (૨૧ તારીખ) બપોરના સમયે બાળકે સારવાર દરમિયાન જ અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલના ચાર ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી, છતાં સમયસર જાણકારી આપવામાં આવી નહોતી, માત્ર આથક શોષણ કરવામાં આવ્યું હતું. 'અમે ડોક્ટરો પર વિશ્વાસ મૂક્યો હતો, પણ તેમણે માનવતા નેવે મૂકીને માત્ર પૈસા પર ધ્યાન આપ્યું. છેલ્લે બાળકને બહાર ફેંકી દેવાની ધમકી આપી તે અસહ્ય છે.'

જ્યારે સામા પક્ષે ડા. સુહાસ પટેલને આ અંગે ટેલિફોનીક સંપર્ક કરી તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરતા, 'ડોક્ટરે મારા અંગત નંબર પર ફોન કેમ કર્યો, હું અત્યારે આરામમાં છું. બાળકની સારવારમાં મારી સાથે અન્ય ચાર ડોક્ટર પણ હતા તેમનો સંપર્ક કરો તેમ કહીં ફોન મુકી દીધો હતો. હાલમાં આ મામલે પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.