- જિલ્લામાં દિવાળીના તહેવારની પરંપરાગત ઉજવણી
- સોમવારથી સરકારી કચેરીઓ ખુલતા જનજીવન પૂર્વવત બનશે : બેસતા વર્ષે સગાસબંધીઓનું અવનવી મીઠાઈઓ સાથે સ્વાગત કરી શુભેચ્છા પાઠવી
સુરેન્દ્રનગર : ઝાલાવાડ પંથકમાં હર્ષોલ્લાસ સાથે પ્રકાશ પર્વ દિવાળીના તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના લોકોએ દિવાળી અને પડતરના સળંગ બે દિવસ ફટાકડા ફોડી આતશબાજીની મોજ માણી હતી. જયારે ઉમંગભેર નવા વર્ષના વધામણા કર્યા હતા. સગાસંબંધીઓ અને મિત્રોને અવનવી વાનગીઓ અને મીઠાઈઓથી મોઢું મીઠું કરાવીને જુની કડવાશ ભૂલી નવું વર્ષ સફળ રહેવાની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. દરમિયાન મિની વેકેશન બાદ આજે પાંચમના દિવસથી ત્રણેય જિલ્લાઓના બજારો પુર્વવત જોવા મળશે. જોકે, રવિવારે પાંચમ હોવાથી સરકારી કચેરીઓ અને મોટાભાગના બજારો સોમવારથી રાબેતામુજબ ધમધમતા થશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વાઘબારસથી દિવાળીના પર્વનો પ્રારંભ થયો હતો. આ વર્ષે દિવાળીના તહેવારોની ઉજવણી કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. દિવાળી અને પડતર મળીને બે દિવસ સુધી લોકોએ મોડી રાત સુધી અવનવા ફટાકડા ફોડી આનંદ માણ્યો હતો. શહેરી વિસ્તારમાં રોજીરોટી માટે સ્થાયી થયેલા શ્રમજીવીઓ પોતાના વતનમાં દિવાળીનો તહેવાર ઉજવવા રવાના થયા છે. જયારે દિવાળીના વેકેશન માણવા માટે સરકારી કર્મચારીઓ અને વેપારીઓએ પોતાના પરિવારો સાથે નજીકના પર્યટક સ્થળોએ પહોંચ્યા હોઈ બજારો હજુ સુમસામ જોવા મળી રહ્યા છે.
રવિવારે લાભ પાંચમ હોવાથી સોમવારથી સુરેન્દ્રનગરના બજારો રાબેતામુજબ શરૂ થશે. ઝાલાવાડવાસીઓએ બેસતા વર્ષે નવા વર્ષના ઉત્સાહભેર વધામણા કર્યા હતા. સવારથી જ નવા વસ્ત્રો ધારણ કરીને લોકો પોતાના સબંધીઓ અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા એકબીજાના ઘરે પહોંચ્યા હતા. જયાં તેઓનું મધમધતી સ્વાદિષ્ઠ મિઠાઈથી મોઢું મીઠું કરાવીને ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.


