ચાર કરોડના ખર્ચે બનેલા યુનિ.ના નવા પરીક્ષા ભવનના લોકાર્પણનું મુહૂર્ત નીકળતું નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ચાર કરોડ રુપિયાના ખર્ચે હેડ ઓફિસને અડીને નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે.જેને બિનસત્તાવાર રીતે પરીક્ષા ભવન નામ આપવામાં આવ્યું છે.આ બિલ્ડિંગ બનીને તૈયાર છે પરંતુ તેના લોકાર્પણનું મુહૂર્ત નીકળી રહ્યું નથી.નવા બિલ્ડિંગના લોકાર્પણ માટે સત્તાધીશો કોની રાહ જોઈ રહ્યા છે તે પણ એક સવાલ છે.
હેડ ઓફિસના પરીક્ષા વિભાગને ધ્યાનમાં રાખીને ૨૦૨૦થી આ બિલ્ડિંગ બનાવવાનું શરુ કરવામાં આવ્યું હતું.૨૦૨૫નું અડધું વર્ષ પૂરુ થઈ ગયું છે પરંતુ આ બિલ્ડિંગ ધૂળ ખાઈ રહ્યું છે.બિલ્ડિંગમાં ફર્નિચર પણ બનીને હવે તૈયાર થઈ ગયું છે.વાયરિંગનું કામ પણ પુરુ થઈ ગયું છે.બિલ્ડિંગને હવે કોઈ પણ સમયે ઉપયોગમાં લઈ શકાય તેમ છે પરંતુ સત્તાધીશો કદાચ આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવાનું છે તેવું ભુલી ગયા લાગે છે.અત્યારે અહીંયા એક માત્ર જોઈન્ટ રજિસ્ટ્રારની નવીી ઓફિસ કાર્યરત છે.
સૂત્રોનું કહેવું છે કે, પરીક્ષા ભવનમાં દરેક ફેકલ્ટીના સેન્ટ્રલ એસેસમેન્ટ સેલ શરુ કરવાની અને પરિણામ તૈયાર કરવાની તમામ કામગીરીને ખસેડવાની યોજના છે.અત્યારે સાયન્સ, આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીના સેલ હેડ ઓફિસમાં ચાલે છે.અન્ય ફેકલ્ટીઓના એસેસમેન્ટ સેલ માટે હેડ ઓફિસમાં જગ્યા નથી.જેના કારણે ઉત્તરવહીઓ તપાસવાની અને પરિણામ તૈયાર કરવાની કામગીરી સાથે સંકળાયેલા અધ્યાપકોને ફેકલ્ટીથી હેડ ઓફિસના વારંવાર આંટા મારવા પડે છે.