યુનિ.કેમ્પસમાં ત્રણ કરોડના ખર્ચે નવા વોશરુમ્સ બનશે અને સમારકામ થશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ઘણા સમયથી વોશરુમ્સ અંગે ફરિયાદો કરી રહ્યા છે.જેના પર હવે સત્તાધીશોએ ધ્યાન આપ્યું છે.યુનિવર્સિટીમાં ૩ કરોડ રુપિયાના ખર્ચે નવા વોશરુમ્સ બનાવાશે અને જૂના વોશરુમ્સનું સમારકામ કરવામાં આવશે.
યુનિવર્સિટી કેમ્પસની વિવિધ ફેકલ્ટીઓમાં મોટાભાગના વોશરુમ્સની સ્થિતિ સારી નથી.આર્ટસ ફેકલ્ટીમાં તો ત્રણ વર્ષ પહેલા વોશરુમ્સને લઈને આંદોલન પણ થયું હતું.ખાસ કરીને ગર્લ્સ માટે વોશરુમ્સ ઉપલબ્ધ નહીં હોવાનો ઉહાપોહ પણ થયો હતો.મોટાભાગના વોશરુમ્સ ગંદા હોવાની અને તેની સાફ સફાઈ નહીં થતી હોવાનું વિદ્યાર્થીઓનું કહેવું છે.જેના કારણે ખાસ કરીને વિદ્યાર્થિનીઓની હાલત કફોડી બનતી હોય છે.
જોકે હવે સત્તાધીશોએ યુનિવર્સિટીના પોતાના ફંડમાંથી તેમજ ઉદ્યોગો પાસેથી સીએસઆર એક્ટિવિટી હેઠળ સહાય મેળવીને કેમ્પસમાં નવા વોશરુમ્સ બનાવાશે અને જે વોશરુમ્સ ખરાબ હાલતમાં છે તેને રિપેર કરવામાં આવશે.નવા વોશરુમ્સની ડિઝાઈન એવી હશે કે તેની આસાનીથી સંભાળ રાખી શકાય.
વોશરુમ્સના સમારકામ અને નવા વોશરુમ્સ બનાવવાની કામગીરી તબક્કાવાર કરવામાં આવશે.જેથી શિક્ષણ પર અસર ના પડે.