Gujarat

યુવાધનમાં નશાનો નવો ટ્રેન્ડ : કફ સિરપના બ્હાને માદક નશાનું બેરોકટોક વેચાણ

By GS TEAM
12 Jul 20252 mins read
યુવાધનમાં નશાનો નવો ટ્રેન્ડ : કફ સિરપના બ્હાને માદક નશાનું બેરોકટોક વેચાણ

- એસઓજીએ દોઢ વર્ષમાં 1842 બોટલ ઝડપી છતાં છાનાખૂણે વેચાણ શરૂ 

- કોડીન ફોસ્ફેટના વધારે પ્રમાણવાળી કફ સિરપનો નશા માટે ખુલ્લેઆમ ઉપયોગ, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર યુવાધન સિરપ મેળવી નશો કરે છે

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લાના મેડિકલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક કફ સિરપનું બેરોકટોક વેચાણ કરનારા સામે હાલમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગુ્રપે દોઢ વર્ષમાં છ સ્થળેથી ૧,૮૪૨ નશાકારક કફ સિરપની બોટલો ઝડપી લઈ ૧૧ સામે  કાર્યવાહી કરી  છે.

મેડિકલ સ્ટોરમાં કોડીન ફોસ્ફેટના વધુ પ્રમાણવાળી કફ સિરપ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર સરળતાથી મેળવી આજનું યુવાધન નશાના રવાડે ચડયું છે. ત્યારે પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ,ટેબલેટનું બેરોકટોક વેચાણ કરનારાને ઝડપી પાડવા ભાવનગર પોલીસે હાલમાં શહેર-જિલ્લાના મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ શરૂ કરી નશાકારક કફ સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.શરદી-કફની સિરપમાં અફીણમાંથી પ્રોસેસ કરીને મેળવવામાં આવતા માદક એવા કોડિન ફોસ્ફેટનું પ્રમાણ ૧૦ એમજી જેટલું હોય છે અને આવી સિરપનો પ્રિસ્ક્રિપ્શન વગર ઉપયોગ કે વેચાણ એનડીપીએસના કાયદા મુજબ ગુનો બનતો હોવા છતાં તેનું છાના ખૂણે વેચાણ થઈ રહ્યું છે. તે નોંધનિય છે. 

નશાના તત્વોવાળી રૂ. 2.81 ની કિંમતની સિરપ ઝડપી

સ્પેશિયલ ઓપરેશન ગુ્રપે  દોઢ વર્ષમાં અલગ-અલગ નશાના તત્વોવાળી કુલ રૂા.૨.૮૧ લાખની કિંમતનો સિરપનો જથ્થો ઝડપ્યો હતો. જે અંતર્ગત શહેરના ઘોઘારોડ પોલીસ મથકમાં ત્રણ, બોરતળાવ પોલીસ મથકમાં બે અને ભરતનગર પોલીસ મથકમાં એક મળી એનડીપીએસ એક્ટ હેઠળ કુલ ૬ ગુના નોંધ્યા હતા.

પોલીસ દ્વારા આગામી દિવસોમાં અસરકારક ચેકિંગ કરવામાં આવશે : રેન્જ આઈજી

ભાવનગર રેન્જ આઈજીએ જણાવ્યું કે, નશાકારક સિરપ અને ટેબ્લેટનું વેચાણ અટકાવવા માટે મેડિકલ સ્ટોર ઉપરાંત ખાનગી રીતે વેચાણ કરતા શખ્સો પર પોલીસ વૉચ રાખી રહી છે. સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ દ્વારા શહેરના શંકાસ્પદ મેડિકલ સ્ટોરની ચકાસણી કરવામાં આવી રહી છે, જરૂર પડયે ડ્રગ્ઝ વિભાગની મદદ લેવામાં આવશે. તદ્ઉપરાંત પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી શાળા-કોલેજ પાસેની મેડિકલ સ્ટોર પર અસરકારક ચેકિંગ કરવામાં પણ આવી રહ્યું હોવાનું ઉમેર્યું હતું.