Gujarat

તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત

By GS TEAM
19 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરા શહેરમાં મોહરમના પવિત્ર માસનો પ્રારંભ થયો છે ત્યારે મુસ્લિમ સમાજ તરફથી તાજીયા બેસાડવામાં આવે છે. ત્યારબાદ મહિનાના અંતે તાજીયાને ઠંડા કરવાની પરંપરા રહેલી છે અને તે વર્ષોથી ફતેપુરા સરસીયા તળાવ ખાતે કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પ્રથમવાર તાંદળજા વિસ્તારમાં કૃત્રિમ તળાવમાં તાજિયા ઠંડા કરવામાં આવનાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત

Vadodara : વડોદરા શહેરમાં મોહરમના પવિત્ર માસનો પ્રારંભ થયો છે ત્યારે મુસ્લિમ સમાજ તરફથી તાજીયા બેસાડવામાં આવે છે. ત્યારબાદ મહિનાના અંતે તાજીયાને ઠંડા કરવાની પરંપરા રહેલી છે અને તે વર્ષોથી ફતેપુરા સરસીયા તળાવ ખાતે કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પ્રથમવાર તાંદળજા વિસ્તારમાં કૃત્રિમ તળાવમાં તાજિયા ઠંડા કરવામાં આવનાર છે. પોલીસ અને પ્રશાસન સાથે બેઠકમાં મુસ્લિમ સમાજે નારાજગી સાથે કૃત્રિમ તળાવમાં તાજીયા ઠંડા કરવા સહમતિ દર્શાવી હતી. જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ માસ દરમિયાન વડોદરા શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવે છે અને અંતે વર્ષોથી પરંપરા મુજબ સરસીયા તળાવ ખાતે તાજીયા ઠંડા કરવામાં આવતા હોય છે. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તાર હોય કે તાંદળજા વિસ્તાર હોય ત્યાંથી પણ તાજીયા સરસિયા તળાવ ખાતે લાવીને ઠંડા કરવામાં આવે છે. જેથી મુસ્લિમ સમાજની આસ્થા સરસિયા તળાવ સાથે સંકળાયેલી રહેલી છે પરંતુ તાજેતરમાં તાંદળજા વિસ્તારમાં આ વર્ષે 26 જેટલા તાજીયા બેસાડવામાં આવ્યા છે તેને ઠંડા કરવા માટેની સરસિયા તળાવની વ્યવસ્થા બંધ કરી તાંદલજા વિસ્તારમાં નવું કૃત્રિમ તળાવ બનાવી તેમાં ઠંડા કરવાની ફરજ પાડવામાં આવતા મુસ્લિમ સમાજમાં રોષ વ્યાપ્યો હતો.

આ અંગે તાંદલજાના આગેવાનોએ તાજીયા કમિટીથી લઈ ડેપ્યુટી પોલીસ કમિશનર અને કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી કે આ વર્ષે સરસિયા તળાવ ખાતે તાજીયા ઠંડા કરવાની પ્રણાલિકા ચાલુ રાખવામાં આવે અને આવતા વર્ષથી તાદળજા ખાતે કૃત્રિમ તળાવમાં તાજીયા ઠંડા કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવે તેમાં વહીવટી તંત્ર અને પોલીસે આ વર્ષથી જ તાંદળજા ખાતે કૃત્રિમ તળાવ બનાવી તેમાં તાજિયા ઠંડા કરવાની શરૂઆત કરવાનો નિર્ણય લીધો હતો અને પોલીસ અને કોર્પોરેશન દ્વારા તાંદલજાના 26 તાજીયા બેસાડનાર મંડળોને આગેવાનો સાથે બેઠક યોજીને સમજાવ્યા હતા. આખરે મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ અને કોર્પોરેશનના નિર્ણયને માન આપીને તાંદળજા ખાતે કૃત્રિમ તળાવમાં તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા શરૂ કરવા સહમતી આપી હતી.