વડોદરાની ૨૫૮ પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો અમલ
વડોદરાઃ ભારતના પોસ્ટ વિભાગના ગુજરાત સર્કલ દ્વારા વડોદરા સહિતની ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો અમલ કરવામાં આવશે.જેનાથી પોસ્ટ ઓફિસોની કામગીરી ઝડપી બનશે.
એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીના ભાગરુપે વડોદરાના પશ્ચિમ ડિવિઝનની ફતેગંજ હેડ પોસ્ટ ઓફિસ, ૪૫ સબ પોસ્ટ ઓફિસો અને ૨૫૮ બ્રાન્ચ પોસ્ટ ઓફિસોમાં તા.૨૧ જુલાઈના રોજ ડેટા માઈગ્રેશન તેમજ તેની ચકાસણીની કામગીરી થશે.જેના કારણે આ તમામ પોસ્ટ ઓફિસોમાં ગ્રાહકો માટે કોઈ કામગીરી નહીં થાય.
પશ્ચિમ વિભાગના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસના કહેવા પ્રમાણે ગ્રાહકોને એક દિવસ પોસ્ટ ઓફિસ સેવા નહીં આપી શકે.તા.૨૨ જુલાઈથી પોસ્ટ ઓફિસો રાબેતા મુજબ કામગીરી કરશે.નવી ટેકનોલોજીના અમલના કારણે ગ્રાહકોના પૈસા જમા કરવાની, ઉપાડવાની, એકાઉન્ટ ચાલુ કે બંધ કરાવવાની, પાર્સલ બૂક કરાવવા જેવી તમામ કામગીરીમાં પહેલા કરતા અડધો સમય લાગશે.જેના કારણે હજારો ગ્રાહકોને ઝડપી સેવા મળી શકશે.
ઉલ્લેખનીય છે કે, પોસ્ટ ઓફિસના પૂર્વ ડિવિઝન હેઠળ આવતા વડોદરા જિલ્લા અને છોટાઉદપુર જિલ્લાની પોસ્ટ ઓફિસોમાં પણ તા.૨૧ના રોજ નવી ટેકનોલોજીને લોન્ચ કરવામાં આવનાર છે.આ પોસ્ટ ઓફિસોમાં પણ ગ્રાહકોને તા.૨૧ના રોજ સેવા નહીં મળે.