Gujarat

આજથી કોલેજોમાં નવા સત્રનો પ્રારંભ F. Y ના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ નહીં થાય

By GS TEAM
16 Jun 20252 mins read
આજથી કોલેજોમાં નવા સત્રનો પ્રારંભ F. Y ના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ નહીં થાય

કેન્દ્રિયકૃત પ્રવેશ પધ્ધતિને લીધે કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની અડધોઅડધ બેઠકો ખાલી  સ્નાતક કક્ષાનાં એડમિશનના 4 રાઉન્ડ બાદ તા. 21ના પાંચમો રાઉન્ડ; અનુસ્નાતક કક્ષાએ ભવનોમાં પણ ક્યાંક 10, ક્યાંક 8 વિદ્યાર્થીના પ્રવેશ

રાજકોટ, : રાજય સરકારનાં શિક્ષણ વિભાગનાં એકેડેમિક કેલેન્ડર મુજબ આજે કોલેજ અને અનુસ્નાતક ભવનોનું 49 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થયું હતું. આવતીકાલ તા. 17 જૂનથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. જીકાસ દ્વારા કોલેજો અને શૈક્ષણિક ભવનોમાં કેન્દ્રિયકૃત પ્રવેશ પધ્ધિત અપનાવવામાં આવ્યા બાદ સરકારી અને ગ્રાન્ટેડ સહિતની કોલેજોમાં અનેક બેઠકો ખાલી રહી છે. અલબત પ્રવેશ પ્રક્રિયા હજુ ચાલુ છે.  તેથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે  કોલેજ શરૂ નહીં થાય. બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની કોલેજ શરૂ થઈ જશે.

સૌરાષ્ટ્ર યુનિ. સાથે સંલગ્ન કોલેજો અને ભવનોમાં શિક્ષણ, મેડિકલ, હોમિયોપેથી, આર્કિટેકચર, ફાર્મસી તેમજ એઆઈસીટીઈ  આધારીત સિવાયના અભ્યાસક્રમોમાં ઉનાળુ વેકેશન ગત તા.ર૯ એપ્રિલથી ૧૬ જૂન સુધી જાહેર કરવામાં આવ્યું હતું. ઉનાળુ વેકેશન દરમિયાન કોલેજો અને ભવનોમાં એડમિશનની જે કેન્દ્રિયકૃત પધ્ધતિ લાગુ કરવામાં આવ્યા પછી ચાર રાઉન્ડ પુરા થયા બાદ કોલેજોમાં આજે પણ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની અડધો અડધ બેઠકો ખાલી રહી છે. અનુસ્નાતક ભવનોમાં પણ ચિંતાજનક સ્થિતિ છે. કેટલાક ભવનોમાં 10 તો કેટલાક ભવનોમાં માત્ર 8 એડમિશન થયા છે. હજુ કોલેજોમાં પ્રવેશ માટેના પાંચમા રાઉન્ડ તા. 21નાં જાહેર થશે. 

ત્યાર બાદ પ્રથમ વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે. આ સંજોગોમાં જીકાસનાં કારણે હજુ 15  દિવસ સુધી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય તેવી કોઈ સંભાવના નથી. કેટલાક વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન નથી થયુ તો કેટલાક વિદ્યાર્થીઓના પ્રમાણત્રોનું વેરીફિકેશન બાકી છે. એડમિશનના ચાર રાઉન્ડ પછી પણ એક પણ કોલેજને પુરતા વિદ્યાર્થીઓ નહીં મળતા કેન્દ્રિયકૃત પ્રવેશ પધ્ધતિની કામગીરી વધુ એક વખત વિવાદાસ્પદ બની છે.