વડોદરા જિલ્લામાં સરપંચોએ હોદ્દા સંભાળ્યાઃસૌથી નાની 22 વર્ષની અને 80 વર્ષના શાંતાબેને કામ શરૃ કર્યા
વડોદરાઃ વડોદરા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના રસપ્રદ પરિણામો આવ્યા બાદ ડેપ્યુટી સરપંચની ચૂંટણી તેમજ સરપંચોના હોદ્દા ગ્રહણ કરવાના કાર્યક્રમોમાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
ચૂંટાયેલા સરપંચો અને સભ્યોમાં અનેક શિક્ષિત યુવક-યુવતીઓનો સમાવેશ થાય છે. તો પાદરા તાલુકાના માસરરોડ ખાતે ૮૦ વર્ષીય વયના શાંતાબેન નટુભાઇ પરમારે સરપંચ તરીકે હોદ્દો સંભાળ્યો હતો.ક્ષત્રિય સમાજના શાંતાબેનના પરિવાર પાસે કોઇ પણ ચૂંટણીમાં હોદ્દો ન હોય તેમ દાયકાઓથી બન્યું નથી.
શાંતાબેનના સસરા શનાભાઇ ૧૯૬૨માં ધારાસભ્ય હતા.ત્યારબાદ તેમના પતિ નટુભાઇ ૨ ટર્મ સરપંચ રહ્યા હતા.તેમના પુત્ર કમલેશભાઇ ૩ ટર્મ સરપંચ અને પુત્રવધૂ સુધા બેન જિલ્લા પંચાયતના પ્રમુખ અને બે ટર્મ સરપંચ રહી ચૂક્યા છે.
આવી જ રીતે વડોદરા પાસેના કરચીયા ગામે સૌથી નાની ૨૨ વર્ષે સરપંચ બનેલી શીતલ માળીએ ચાર્જ લીધો ત્યારે લોકો મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર સાથે ઉમટયા હતા.તો સાવલીના ગોઠડા ગામે એમકોમ કરતી ૨૩ વર્ષીય મુસ્લિમ યુવતી તસ્મીના સૈયદનો ડીજે સાથે વરઘોડો કાઢીને સન્માન કરાયું હતું.યુવાન અને શિક્ષિત સરપંચોએ સ્વચ્છતા ઉપરાંત સીસીટીવી,આરોગ્ય,શિક્ષણ, આરઓ પ્લાન્ટ અને વાયફાય જેવા લક્ષ્ય રાખ્યા છે.