Gujarat

ત્રણ વર્ષ પછી જ પેન્શન ફંડના ઉપાડ કરવા દેવાના નિયમથી નોકરિયાત ખફા

By GS TEAM
20 Oct 20252 mins read
ત્રણ વર્ષ પછી જ પેન્શન ફંડના ઉપાડ કરવા દેવાના નિયમથી નોકરિયાત ખફા

(પ્રતિનિધિ તરફથી)                અમદાવાદ,સોમવાર

પ્રોવિડન્ટ ફંડની સો ટકા રકમ ઉપાડવા દેવાની છૂટ આપવાની સાથે જ લાગુ કરવામાં આવેલા નવા નિયમ હેઠળ પ્રોવિડન્ટ ફંડ ઉપાડવા માટે બાર માસ સુધી રાહ જોવાના, પેન્શનની ચૂકવણી માટે ત્રણ વર્ષ સુધી રાહ જોવાના અને ૨૫ ટકા રકમ કાયમને માટ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં રાખી મૂકવાના નિયમને કારણે નોકરિયાતો ગિન્નાયા છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ થોડા દિવસ પહેલા જ પ્રોવિડન્ટ ફંડના નાણાંના ઉપાડ માટે કેટલાક નિયમોની જાહેરાત કરી હતી.


પ્રોવિડન્ટ ફંડના ખાતામાંથી રકમનો ઉપાડ કરવા દેવાના નવા નિયમો સરળ હોવાનો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવમંા આ જ નિયમો નોકરિયાતોની જફામાં વધારો કરે તેવા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. નોકરી ગુમાવી દેનાર કર્મચારીએ પ્રોવિડન્ટ ફંડના નાણાંમાંથી પારિવારિક જરૃરિયાત માટે નાણોનો ઉપાડ કરવા માટે હવે બાર મહિના સુધી રાહ જોવી પડશે. પહેલા નોકરી ગયા પછી બે મહિના બાદ નાણાંનો ઉપાડ કરી શકાતો હતો. તેમ જ ત્રણ વર્ષ સુધી બેરોજગાર રહે તે પછી જ પેન્શન ફંડનો ઉપાડ કરવા દેવાની શરત મૂકવામાં આવી હોવાથી પણ નોકરિયાતો નારાજ થઈ રહ્યા છે.

તદુપરાંત પ્રોવિડન્ટ ફંડના ખાતામાં ૨૫ ટકા રકમ કાયમને માટે જમા રાખવાનો નિયમ પણ નોકરિયાતોને ખટકી રહ્યો છે. નિવૃત્તિ સુધીમાં જમા થનારા કુલ ફંડના ૨૫ ટકા રકમ નિવૃત્તિ કાળ સુધી તેમના ખાતામાં જમા પડેલી જ રહેવી જોઈએ. આમ નોકરિયાતોના પોતાના પૈસા પર નોકરિયાતોનો પોતાનો સંપૂર્ણ અંકુશ ન રહે તેવી સ્થિતિ નિર્માણ કરી છે.સરકારે નિયમો સરળ કરવાને નામે કરેલી નવી જોગવાઈને પરિણામે ભારે જરૃરિયાત હ ોય ત્યારે પણ નોકરિયાતો અને તેમના પરિવારની નાણાંકીય સલામતી જળવાતી નથી. પ્રોવિડન્ટ ફંડના નિષ્ણાતો આ નીતિને નોકરિયાત વિરોધી નીતિ તરીકે ઓળખાવી રહ્યા છે. નવા નિયમોને કારણે પ્રોવિડન્ટ ફંડની સુવિધા ધરાવતા લાખો પરિવારોની હાલત ખરાબ થશે. તેમાંય જેઓ નોકરી જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેમની હાલત વધુ ખરાબ થશે.

જોકે અનિવાર્ય સંજોગોમાં નોકરિયાતોને પ્રોવિડન્ટ ફંડમાંથી લગ્નના ખર્ચ માટે ૫ વાર અને શિક્ષણના ખર્ચ માટે ૧૦ વાર ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે.કુદરતી આપત્તિના કાળમાં પણ નાણાંનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે. મોટા રોગચાળાના ગાળામાં પણ ઉપાડ કરવાની છૂટ આપવામાં આવેલી છે. તદુપરાંત સતત બેરોજગારીના કાળમાં પણ પ્રોવિડન્ટ ફંડમાંથી નાણાંનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવેલી છે.અલબત્ત નોકરી ગુમાવી દે તે પછી બાર માસ સુધી પૈસાનો ઉપાડ ન કરવા દેવાનો નિયમ નોકરિયાતોને સૌથી વધુ ખટકી રહ્યો છ.નવા નિયમો સારા હોવાની આરંભિક ઇમેજ બદલાઈ રહી છે અને નોકરિયાતોની નારાજગી વધી રહી છે.