14 જુલાઈથી નવો નિયમ લાગુ : ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા ટિકિટ કન્ફર્મ થઈ જશે
ટ્રેનના રિઝર્વેશન ચાર્ટના સમયમાં ફેરફારથી મુસાફરોને રાહત , સમય અને ખર્ચ બંને બચશે
રેલવે સ્ટેશનોના આધુનિકીકરણની સાથે સાથે મુસાફરોની સુવિધાઓ વધારવા માટે રેલવે વિભાગ નવા નિયમો લાગુ કરી રહ્યું છે. હવે આગામી 14 જુલાઈથી પશ્ચિમ રેલ્વે ટ્રેનનો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઊપડવાના 8 કલાક પહેલાં તૈયાર થશે. અત્યાર સુધી આ ચાર્ટ 4 કલાક પહેલાં તૈયાર કરવામાં આવતો હતો.
પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગના જણાવ્યા અનુસાર, સવારે 5 વાગ્યાથી બપોરે 2ની વચ્ચે પ્રસ્થાન કરનારી ટ્રેનો માટે, પ્રથમ આરક્ષણ ચાર્ટ પાછળના દિવસે રાત્રે 9 કલાક સુધીમાં તૈયાર કરી લેવામાં આવશે. બપોરે 2 વાગ્યાથી સાંજે 4ની વચ્ચે પ્રસ્થાન કરનારી ટ્રેનો માટે, પ્રથમ રિઝર્વેશન ચાર્ટ તે જ દિવસે સવારે 7:30 કલાક સુધીમાં તૈયાર કરી લેવામાં આવશે. સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 અને રાત્રે 12થી સવારે 5ની વચ્ચે પ્રસ્થાન કરનારી ટ્રેનો માટે, પ્રથમ રિઝર્વેશન ચાર્ટ નિર્ધારિત પ્રસ્થાન સમયના આઠ કલાક પહેલા તૈયાર કરી લેવામાં આવશે. બીજા રિઝર્વેશન ચાર્ટની તૈયારીના સંબંધમાં હાલની જોગવાઈઓમાં કોઈ ફેરફાર થશે નહીં. ટિકિટ કન્ફર્મેશનની માહિતી 8 કલાક પહેલા મળવાથી મુસાફરો વૈકલ્પિક વાહન વ્યવસ્થા, જેમ કે બસ કે અન્ય ટ્રેનનું આયોજન કરી શકશે. આ ઉપરાંત, ઘરેથી નીકળતા પહેલા જ ટિકિટની સ્થિતિ જાણી શકાશે.