નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ: ગુજરાતનો ફોકસ માત્ર વિદ્યાર્થીઓ અને શિક્ષણ ઉપર જ રહેશે
- કેન્દ્ર દ્વારા તૈયાર થઇ રહેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2019માં રાજ્યોના સૂઝાવ-સૂચનો માટેની જૂથ ચર્ચામાં ગુજરાતના શિક્ષણ વિદોનું મનોમંથન
- CM વિજય રૂપાણીએ કેન્દ્રની નવી સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2019 બનાવવા જઇ રહી છે તેને નયા ભારતના નિર્માણના PM નરેન્દ્રભાઇના સંકલ્પના પાયારૂપ ગણાવી છે
ગાંધીનગર, તા. 21 જુલાઇ 2019, રવિવાર
મુખ્યમંત્રીએ કહ્યું કે, 1986 પછી પહેલીવાર કેન્દ્રની નવી સરકારે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અને તે પણ સર્વગ્રાહી પહેલુઓને બારીકાઇથી આવરી લઇને ઘડવાની પહેલ કરી છે. મુખ્યમંત્રી ગાંધીનગરમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2019ના ગઠન હેતુ કેન્દ્ર સરકારે રાજ્યોના મંગાવેલા સૂઝાવ માટે યોજાયેલી શિક્ષણ વિભાગની જૂથ ચર્ચામાં સંબોધન કરી રહ્યા હતા.
આ નીતિના કેન્દ્ર સ્થાને–FOCUS માં શિક્ષણ અને વિદ્યાર્થી રહે તેમજ સમયાનુકૂલ બદલાવ અને આઝાદીના 70-75 વર્ષના અનુભવોની વ્યાપક ચર્ચા-મંથન આ જૂથ-ચર્ચામાં રહે તેના આધાર ઉપર ગુજરાત પોતાના સૂચનો આ નવી નીતિ માટે મોકલીને દિશા દર્શન કરે તેવી અપેક્ષા પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા અને પદ્ધતિઓ અંગે લોકોના પરસેપ્શનને પણ ધ્યાનમાં લેવાની અને ભવિષ્યની પેઢી એવા યુવાઓના ઘડતરમાં સર્વગ્રાહી-સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના પાસાઓ ધ્યાને રાખવા પણ સૂચવ્યું હતું. તેમણે સમગ્ર દિવસ દરમિયાન શિક્ષણ વિભાગ, તજજ્ઞો, શિક્ષણ વિદોએ કરેલી ચર્ચામંથનના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2019ના આખરી ઓપ આપવાના ભારત સરકારના પ્રયાસો અને હાથ ધરાયેલી પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરિસંવાદના પ્રારંભમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણનીતિ એ ભાજપા સરકારની નહીં પણ ભારત સરકારની બની રહે તે દિશામાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રવ્યાપી પ્રયાસો આરંભ્યા છે.
સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી આવતી ફરિયાદોનો ઉકેલ શિક્ષણમાં જ છે, તેમ જણાવી શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું કે, સંસ્કાર સંપન્ન, અભ્યાસુ અને વૈશ્વિક, રાષ્ટ્રીય પડકારોને સમજી સર્વાંગી વિકાસ સાથેના બાળકનું ઘડતર શિક્ષણ જ કરી શકે અને નવી શિક્ષણનીતિમાં આ પ્રકારના સર્વાંગી શિક્ષણ પર ખાસ ભાર મૂકાશે. ચુડાસમાએ જણાવ્યું કે, સામાજિક દાયિત્વની જવાબદારી પણ શિક્ષણની જ છે, શિક્ષણ માત્ર આર્થિક ઉપાર્જનનું માધ્યમ નથી, ત્યારે શિક્ષણ વિદો આ દિશામાં પણ રચનાત્મક સૂચનો કરે.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2019ના ડ્રાફ્ટ અંગેના આજના એક દિવસીય પરિસંવાદમાં રાજ્યના જાણીતા શિક્ષણવિદો, વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષક સંઘોના હોદ્દેદારો, શાળા સંચાલક મંડળોના પ્રતિનિધિઓ, વાલી પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદમાં ઉપસ્થિત સમુદાયોની 10 ટીમ બનાવીને પ્રત્યેક ટીમ-ગ્રુપે અલગ-અલગ બેઠક યોજી ડૉ. કે. કસ્તૂરી રંગનના વડપણ હેઠળની સમિતિએ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2019ના તૈયાર કરાયેલા મુસદ્દાના મહત્વના મુદ્દાઓ પર ગહન અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ બાદ જે તે ગ્રુપના સભ્યોએ તે મુદ્દા ઉપરાંત પોતાના વિચારો પણ રજૂ કરી સૂચનો કર્યા હતા.
ભારત સરકાર સમક્ષ રજૂ થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દામાં શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ એમ બે ભાગ પડાયા છે. શાળા શિક્ષણમાં ૩ વર્ષના બાળકો પર વિશેષ ધ્યાન, 2025 સુધીમાં 3 થી 6 વર્ષના તમામ બાળકો માટે શૈક્ષણિક સંભાળનું ધ્યેય, વર્ષ 3 થી 18 સુધી શિક્ષણના અધિકારનો અમલ અને વ્યાપ, એન.સી.ઇ.આર.ટી.ને પ્રારંભિક બાળ શિક્ષણનો અભ્યાસક્રમ તૈયાર કરવાની જવાબદારી આપવી, પ્રારંભિક સ્તરે બાળકને પણ ભાષાઓથી પરિચિત કરવામાં આવે તેનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ મળે, માધ્યમિક કક્ષાએ બાળકો એક વિદેશી ભાષા શીખે, સામાજિક વગેરે મુદ્દાઓનો સમાવેશ કરાય. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને ત્રણ પ્રકારમાં વહેંચવાનો મુદ્દો છે. તેમાં રિસર્ચ યુનિવર્સિટી, શિક્ષણ યુનિવર્સિટી અને કોલેજ-ઉચ્ચ ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્તિ માટેની સ્વાયત્ત સંસ્થાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પણ શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ સંબંધી અનેક મહત્વના મુદ્દાઓનો આ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિના મુસદ્દામાં વિગતવાર સમાવેશ કરાયો છે. આ મુદ્દાઓનો આજના પરિસંવાદમાં બનાવાયેલા 10 ગૃપે અલગ-અલગ બેઠક યોજી ચર્ચા કરી પોતાના સૂચનો રજૂ કર્યા હતા.