Updated: Sep 15th, 2020
અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર 2020, મંગળવાર
ગુજરાત સરકારમાં મોટર વ્હીકલ એક્ટમાં બદલાવ કર્યો છે. સપ્ટેમ્બરથી સંશોધિત મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ભારે દંડ વસૂલ્યાના થોડા જ દિવસો બાદ રૂપાણી સરકારે મોટર વ્હીકલના નિયમોની ઘોષણા કરી. રાજ્યમાં ટ્રાફિક રૂલ્સ માટે નવા નિયમ 16 સપ્ટેમ્બરથી લાગુ થશે. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત સુધારા કરી સરકારે તેનો સમાવેશ ફોજદારી ગુનામાં કર્યો છે.
વાહનચાલકો જાણતા-અજાણતા કાયદાનો ભંગ કરી રહ્યાં હોવાની સરકારો લાલ આંખ કરી છે. દિવસેને દિવસે ટ્રાફિક વધી રહ્યો છે ત્યારે વાહનચાલકોને ટ્રાફિકના કાયદાનો ભય નથી રહ્યો. આવા વાહન ચાલકોને દંડવા સરકાર ઇ-મેમો મોકલી રહી છે ત્યારે તેમણે આનો પણ તોડ શોધી લીધો. આવા વાહન ચાલકોએ નંબર પ્લેટ વાળવાનું શરૂ કરી દીધુ. પરંતુ હવે આ તોડ પણ કામ નહી લાગે કારણ કે તંત્રએ તેના માટે પણ નિયમો કડક બનાવ્યા છે.
જો નંબર પ્લેટ વાળેલી હશે કે તેમાં કોઇ ચેડાં કરેલા હશે તો વાહન ચાલક વિરુદ્ધ IPCની સેક્શન મુજબ ગુનો નોંધાશે. બિનજામીનપાત્ર ગુનો નોંધાય તેવી કાર્યવાહી થાય તે માટે ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે.
વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં છે. કાયદો અને વ્યવસ્થા કડક બનાવવા માટે તંત્ર હરકતમાં છે. નાગરિકો કાયદાની મજાક બનાવતા હોય તેમ ઉલ્લંઘન કરી રહ્યાં છે. વાહનચાલકોને આ નિયમોનું ભાન કરાવવા માટે જ કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
RTOની HSRP નંબર પ્લેટ લગાવવાની સાથે જો તેની સાથે ચેડા કરવામાં આવ્યા હશે તો વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધાશે. આ ઉપરાંત હેલ્મેટ ન પહેરનારે પણ ભારે દંડ ચુકવવો પડશે. પોલીસ હવે ઇ-મેમો દ્વારા સક્રિય થઇ છે. હેલ્મેટ ન પહેરનારને ઇ-મેમો દ્વારા દંડ ફટકારવામાં આવશે. સાથે જ વાહન માલિકની ધરપકડ કરીને તેને જેલભેગા કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જણાવ્યું કે માર્ગ દુર્ઘટનાના કારણે દર વર્ષે હજારો નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે છે. કેન્દ્રએ તાજેતરમાં જ નવો મોટર વ્હીકલ કાયદો લાગુ કરતા ભારે દંડની રકમની ઘોષણા કરી હતી પરંતુ રાજ્ય સરકારે પોતાના અધિકારનો ઉપયોગ કરતાં દંડની રકમમાં સંશોધન કર્યુ છે. આ સાથે જ સરકારે ગામડામાં 50, શહેરમાં 60 અને મહાનગરોમાં 70 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર સીમિત કરી દીધી છે.