New Income Tax Rule 2026: વાર્ષિક રૂ. 4 લાખથી ઓછી એટલે કે વેરાપાત્ર આવક ન ધરાવતા કરદાતાઓએ વિદેશ પ્રવાસ કરતાં પહેલા આવકવેરા અધિકારી પાસેથી નોન ટેક્સેબલ ઇન્કમ હોવાની જાણ કરતો એક્નોલોજમેન્ટ લેટર મેળવવો ફરજિયાત છે.
નોન ટેક્સેબલ ઇન્કમ લેટર ફરજિયાત
1 એપ્રિલ 2026થી અમલમાં મૂકવામાં આવેલા આવકવેરાના નવા કાયદા હેઠળ આવકવેરા અધિકારી પાસેથી નોન ટેક્સેબલ ઇન્કમ જ હોવાનો લેટર ન લીધો હોય અને વિદેશ પ્રવાસે જવા નીકળેલા પ્રવાસીને ઍરપૉર્ટનો ઇમિગ્રેશન અધિકારી વિદેશ જવાની મંજૂરી નહીં આપે અને ઍરપૉર્ટ પરથી જ પાછા મોકલી શકે છે. પહેલી એપ્રિલ 2026થી આ નવો નિયમ અમલમાં આવી ગયો છે.
સીનિયર સિટીઝનની કેટેગરીમાં આવી ગયેલા અને સંતાનોએ વિદેશ બોલાવ્યા હોય તેવા સંખ્યાબંધ માતા-પિતા 2026ના બજેટમાં દાખલ કરવામાં આવેલી નવા ફોર્મ 157ની જાણકારી ન ધરાવતા હોવાથી તેમને ઍરપૉર્ટ પરથી પરત ફરવાની નોબત આવી શકે છે.
વિદેશ જવા માટે ફરજિયાત ડેક્લેરેશન
2025ના નવા આવકવેરા ધારાની કલમ 420 (4) હેઠળ નોન ટેક્સેબલ ઇન્કમ હોવાનું પ્રમાણપત્રની અરજી કરી હોવાનું ફોર્મ 157 ભરીને આવકવેરા ખાતા પાસેથી તે ફોર્મ ભર્યું હોવાની એક્નોલોજમેન્ટ રિસીપ્ટ લેવી ફરજિયાત છે. તેને વિદેશ જઈ રહેલા કરદાતાના એક ડેક્લેરેશન તરીકે જોવામાં આવશે. નાણાકીય વર્ષમાં વેરાને પાત્ર આવક ન ધરાવતા એટલે કે વાર્ષિક રૂ. 4 લાખથી ઓછી આવક ધરાવતા સીનિયર સિટીઝનને પરદેશમાં વસી ગયેલા.
સહી-સિક્કાવાળી નકલ રાખવી ફરજિયાત
તેમના છોકરાઓ બોલાવે ત્યારે તેઓ આ હકીકતથી વાકેફ હોતા નથી. તેથી આવકવેરા અધિકારી પાસેથી ફોર્મ 157 રજૂ કર્યાનું અને ટેક્સેબલ ઇન્કમ ન હોવાનું પ્રસ્થાપિત કરતી અરજીની આવકવેરા ખાતાના અધિકારીઓની સહીસિક્કા સાથેની નકલ રાખવી ફરજિયાત છે. આ નકલ રાખી ન હોય તો તેમને વિદેશ જતાં અટકાવી શકાય છે. ઍરપૉર્ટ પરના અધિકારીઓ તેમની પાસેથી વેરાને પાત્ર આવક ન હોવાનું જણાવતું ફોર્મ 157ની પહોંચ માંગશે.
ભણવા જતાં વિદ્યાર્થીઓને પણ નડી શકે
ભારતમાંથી વિદેશ ભણવા જતાં વિદ્યાર્થીઓની પણ બહુધા કેસોમાં ટેક્સેબલ આવક હોતી જ નથી. તેમ જ તેમની પાસે પાનકાર્ડ પણ ન હોવાની શક્યતા રહેલી છે. તેમને પણ નોન ટેક્સેબલ ઇન્કમનું ફોર્મ 157 ભરીને આવકવેરા કચેરીમાંથી ફોર્મ નંબર 157 પર સહી કરાવી લેવી અને ફોર્મ રજૂ કર્યાની પહોંચ મેળવી લેવી ફરજિયાત છે.


