Get The App

નવી ઊંચાઈ: ધનતેરસે સોનાની કિંમત ગત વર્ષ કરતાં 60 ટકા વધુ, 1.34 લાખ રૂપિયા પહોંચ્યો ભાવ

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
નવી ઊંચાઈ: ધનતેરસે સોનાની કિંમત ગત વર્ષ કરતાં 60 ટકા વધુ, 1.34 લાખ રૂપિયા પહોંચ્યો ભાવ 1 - image


Dhanteras 2025: દિવાળીના તહેવારોનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે (18મી ઓક્ટોબર) ધનતેરસની શુભ શરૂઆત છે, જેને સોનાની ખરીદી માટે અતિ શુભ માનવામાં આવે છે. જો કે, આ ધનતેરસ પર સોનાના ભાવમાં થયેલો તોતિંગ વધારો રોકાણકારોને ચોંકાવી રહ્યો છે. ગયા વર્ષની ધનતેરસની સરખામણીમાં આ વર્ષે સોનાની કિંમતમાં 60 ટકાથી વધુનો જંગી વધારો થયો છે, જેણે ગોલ્ડને રોકાણનો સૌથી સફળ વિકલ્પ સાબિત કર્યો છે.

સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો

વર્ષ 2024 ધનતેરસના દિવસે 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 80,510 રૂપિયા હતી. તેની સરખામણીએ આ વખતે સોનાની કિંમત 1,34,000 રૂપિયા આસપાસ પહોંચી ગઈ છે. આ દર્શાવે છે કે માત્ર એક વર્ષમાં સોનાના ભાવમાં 60 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

ગોલ્ડનું ઐતિહાસિક રિટર્ન

છેલ્લા પાંચ વર્ષમાં સોનાએ રોકાણકારોને સતત સકારાત્મક વળતર આપ્યું છે, જેમાં માત્ર 2020-21 નાણાકીય વર્ષમાં 5 ટકા નકારાત્મક વળતર નોંધાયું હતું. 2022-23 સોનાનું વળતર 20 ટકા, 2023-24માં સોનાનું વળતર 30 ટકાને વટાવી ગયું. વર્તમાન વર્ષ 2024-25માં સોનાનું વળતર 55 ટકા પર પહોંચી ગયું છે. જો કોઈ રોકાણકારે ગયા વર્ષે ધનતેરસ પર 1 લાખ રૂપિયાનું સોનું ખરીદ્યું હશે, તો આ ધનતેરસ સુધીમાં તેને 55,000 રૂપિયાથી વધુનો નફો થયો છે.

વેચાણમાં ઘટાડો, મૂલ્યમાં વધારો

સોનાની કિંમતોમાં આટલો મોટો ઉછાળો હોવા છતાં, મૂલ્યની દ્રષ્ટિએ સોનાની માંગ જળવાઈ રહી છે. વર્ષ 2025માં જથ્થાની દ્રષ્ટિએ ગત વર્ષની સરખામણીએ 20 ટકા ઓછું વેચાણ થયું હોવા છતાં, તેના કુલ મૂલ્યમાં 15થી 20 ટકાનો ઉછાળો દેખાઈ રહ્યો છે, જે દર્શાવે છે કે સોનું આજે પણ સૌથી પસંદીદા રોકાણ વિકલ્પ છે.

શેરબજાર કરતાં અનેક ગણું રિટર્ન

જ્યાં એક તરફ સોનાનું રિટર્ન 55 ટકાથી વધુ રહ્યું છે, ત્યાં નિફ્ટી 50 જેવા બેન્ચમાર્કનું રિટર્ન માત્ર 3.5 ટકા જેટલું જ રહ્યું છે. ભલે શેરબજારમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી હોય, પરંતુ ગોલ્ડનું રિટર્ન હાલમાં અનેક ગણું વધારે સાબિત થયું છે. વૈશ્વિક બજારમાં પ્રવર્તતી અનિશ્ચિતતા અને કેન્દ્રીય બેન્કો દ્વારા સતત સોનાની ખરીદી (રિઝર્વ બેન્કે ગત વર્ષે 1,180 ટન સોનાની ખરીદી કરી હતી અને આ વર્ષે પણ 1,000 ટનનો અંદાજ છે)ને કારણે સોનાની કિંમતોમાં સતત ઉછાળો આવી રહ્યો છે.

Tags :