દિવાળીની ફટાકડામુક્ત ઉજવણીને પ્રાધાન્ય આપતી નવી જનરેશન

ફેસ્ટિવલ સેલિબ્રેશનમાં સામાજિક પહેલ કરતા રાજકોટના યંગસ્ટર્સ
'દિવાળીમાં ફટાકડાની બાદબાકી, પર્યાવરણ અને પરિવારની આબાદી'નો સંદેશો પાઠવતું આજનું યુવાધન
રાજકોટ: દિવાળીનો પર્યાય બની ચુકેલા ફટાકડાના પ્રદૂષણથી મોટાભાગના લોકો અવગત હોવા છતાં ફટાકડા ફોડવા નેસેસરી છે. ભારતમાં મુઘલો દ્વારા ઇન્ટ્રડયુસ થયેલા ફટાકડા દિવાળી સેલિબ્રેશનનો મુખ્ય ભાગ બન્યાં છે . મુઘલોના આગમન પહેલા લોકો ઘરમાં રંગરોગાન કરી, રંગોળીની ભાત ઉપસાવી, ભરત-ગુંથણ અને લાકડાની વસ્તુઓથી સુશોભન કરી, મીઠાઇ બનાવી અને દિવા- ફાનસ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરતા હતાં. તેવી જ રીતે રાજકોટના અમુક યંગસ્ટર્સ ધૂમધડાકાવાળી દિવાળીને સ્થાને પ્રદૂષણમુક્ત દિવાળીની પહેલ કરી પર્યાવરણીય સંદેશો આપી રહ્યાં છે.
પ્રદૂષણમુક્ત અને સ્વાસ્થ્યવર્ધક રીતે દિવાળી સેલિબ્રેશન કરું છું
'હું અંદાજીત ૮ વર્ષની હતી ત્યારે હવાના પ્રદૂષણ અને ફટાકડાના કચરાથી અકળાઇને દિવાળીમાં ફટાકડા ફોડવાનું બંધ કર્યું હતું. દિવાળીની ઉજવણી સુંદરતા અને સાદગી સાથે કરવાથી પૈસા અને પર્યાવરણ બચાવી શકાય છે. દિવાળીમાં ફટાકડા ફોડવાથી ઘણા નુક્સાન થાય છે અને ગંભીર અકસ્માતો પણ સર્જાય છે. ફટાકડાના પૈસાથી જરૂરીયાતની વસ્તુઓની ખરીદી કરું છું તેમજ ફ્યુચર માટે સેવિંગ્સ કરું છું. દિવાળીમાં નવી જગ્યા એક્સપ્લોર કરવી તેમજ મિત્રો, પરિવારજનો અને સંબંધીઓ સાથે સમય પસાર કરવો એ જ સાચી ઉજવણી છે.' - હિના ડોલેરા, ૨૩ વર્ષ
ફટાકડાના પૈસા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ખર્ચું છું
'મારા ઘરે ૭ વર્ષ પહેલા ડોગ લાવ્યાં હતા. તે સામાન્ય દિવસમાં ખુશ રહેતો પણ દિવાળીના દિવસોમાં ફટાકડાના અવાજથી ડરીને ખૂણામાં જ બેસી રહેતો. તેની પરિસ્થિતિ જોઇને મેં દિવાળીમાં ફટાકડા ફોડવાનું બંધ કર્યું. હવે હું દિવાળીમાં ફટાકડાના ખરીદવાની જગ્યાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરું છું. તેમને સ્ટેશનરી કીટ અને લાઇબ્રેરીને નવા પુસ્તકો ભેટ કરું છું. મારા મતે તહેવારોની ઉજવણી અન્ય માટે હાર્મફૂલ ન બનવી જોઇએ. દિવાળીમાં દિવા પ્રગટાવી, રંગોળી કરી પ્રકાશમય ઉજવણી કરવાની સાથે અન્યની મદદ કરી સામાજિક અજવાસ પણ ફેલાવી શકાય છે.' - ડેઇઝી ચાવડા, ૨૧ વર્ષ
દિવાળીમાં શાંત અને કુદરતી સૌંદર્યવાળી જગ્યાએ જવાનું પસંદ કરું છું
' દિવાળીની સ્ફોટક ઉજવણી કરતા સાદગીપૂર્વકનું સરળ અને શાંત સેલિબ્રેશન પસંદ કરું છું. હું ફટાકડા પાછળ થતાં ખર્ચનો ઉપયોગ સેલ્ફકેર માટે કરું છું. આ ઉપરાંત ઝાકમઝોળવાળી જગ્યાઓથી દૂર શાંત અને કુદરતી સૌંદર્યં ધરાવતા પ્લેસનો પ્રવાસ કરું છું. ફટાકડાની નકારાત્મક અસરોથી અવગત હોવાથી ફટાકડાં ફોડતી નથી. દિવાળીમાં એર અને નોઇસ પોલ્યુશન કંટ્રોલ માટે સરકારી નિયમો હોવા છતાં લોકો તેને ફોલો કરતાં નથી. દિવાળીમાં વધારે રજાઓ મળતી હોવાથી પરિવારજનો અને સ્નેહીઓ સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવાની તક મળે છે.' - સુનિતા પરમાર, ૨૩ વર્ષ