Get The App

20 લોકોના મોત બાદ સરકારને ડહાપણ સુઝ્યું, હવે 212 કરોડ રૂ.ના ખર્ચે નવો ગંભીરા બ્રિજ બનશે

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
20 લોકોના મોત બાદ સરકારને ડહાપણ સુઝ્યું, હવે 212 કરોડ રૂ.ના ખર્ચે નવો ગંભીરા બ્રિજ બનશે 1 - image
Images Sourse: IANS

Gambhira Bridge Collapse: પાદરા-આંકલાવને જોડતો ગંભીરા બ્રિજ પત્તાની મહેલની જેમ ધરાશાયી થતાં 20 નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બ્રિજ  દુર્ધટના પછી સરકારને ડહાપણ સુઝ્‌યુ છે. હવે આ જ સ્થળે 212 કરોડ રૂપિયાના ખર્ચે નવો ટુ લેન ગંભીરા બ્રિજ બનાવવા નક્કી કર્યુ છે. પરંતુ સવાલ એ છેકે, જો સ્થાનિકો અને વિપક્ષના નેતાઓની લેખિત રજૂઆતો પ્રત્યે સરકારે ગંભીરતા દાખવી હોત તો કદાચ મહામૂલી જિંદગીને બચાવી શકાઈ હોત.

સરકારે દાવો કર્યો કે, દોઢ વર્ષમાં ટુ લેન બ્રિજ બનશે

ગંભીરા બ્રિજ એટલી જર્જરિત અવસ્થામાં હોઈ સ્થાનિકોએ છેલ્લાં બે વર્ષથી સતત લેખિત રજૂઆતો કરી છતાંય માર્ગ મકાન વિભાગ જ નહીં, સરકારના બહેરા કાને આ ફરિયાદો સંભળાઈ નહી. લાખો રૂપિયા ખર્ચીને સમારકામ પણ કરાયું છતાંય સરકારની ગુનાઈત બેદરકારીના ભોગે બ્રિજ ધરાશાયી થયો અને નિર્દોષ લોકોને જાન ગુમાવવા પડ્યાં હતાં. હવે જ્યારે બ્રિજ દુર્ઘટના થઈ છે, ત્યારે સરકાર હવે હરકતમાં આવી છે. રાજ્ય સરકારે આ જ સ્થળે 212 કરોડ રૂપિયાના ખર્ચે નવો ટુ લેન બ્રિજ બનાવવા નિર્ણય કર્યો છે. 

આ પણ વાંચો: બોટાદમાં મોટી દુર્ઘટના, કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લઈ જતી કાર તણાઈ, બેના દુઃખદ મોત

સરકારે એવો દાવો કર્યો છે કે, દોઢ વર્ષમાં નવો બ્રિજ બની જશે. બ્રિજ તૂટી પડતાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે વાહનવ્યવહારને અસર પહોંચશે. આ ઉપરાંત સ્થાનિકો માટે રોજગારીનો પ્રશ્ન પણ ફેણ માંડીને ઊભો રહેશે. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને પણ અગવડતાનો સામનો કરવો પડશે. સ્થાનિકોનું કહેવું છે કે,જો સરકારે અમારી ફરિયાદો પ્રત્યે ગંભીરતા દાખવી હોત તો કદાચ આ દુર્ઘટના જ સર્જાઇ ન હોત. બ્રિજ જર્જરિત અવસ્થામાં હોવાથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવાની જરુર હતી. સમયાંતરે ચકાસણી કરીને સમારકામ કર્યુ હોત તો આ પરિસ્થિતિ સર્જાઇ ન હોત. પણ માર્ગ મકાન વિભાગ-સરકારે ઘોર લાપરવાહી દાખવી હતી.

ગુજરાતમાં આજે પણ ઘણાં બ્રિજો એવા છે જે પડુ પડુ છે. અત્યારે માત્ર વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે, પરંતુ એ પુલોની મરામત ક્યારે થશે? સરકાર હજુ વધુ એક પુલ દુર્ઘટનાની રાહમાં છે કે શું? તે સવાલ છે. 

20 લોકોના મોત બાદ સરકારને ડહાપણ સુઝ્યું, હવે 212 કરોડ રૂ.ના ખર્ચે નવો ગંભીરા બ્રિજ બનશે 2 - image