ખેતીમાં ટેકનોલોજીના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીમાં નવી દિશા
સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાતના અનેક ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે અને સંજય પટેલ જેવા ખેડૂત તેમના કાર્ય દ્વારા આ અભિયાનને જીવંત બનાવી રહ્યા છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામે સંજયભાઈ પટેલે એમની 22 વીઘા જમીન પર ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને આધુનિક ટેક્નોલોજી જેવી કે, ખાસ કરીને આઈઓટી (ઈન્ટરનેટ ઓફ થીંગ્સ) સાથે જોડીને એક અનોખું મોડેલ ઉભું કર્યું છે. પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા પછી તેમને માત્ર આરોગ્યની પુનઃપ્રાપ્તિ જ ન મળી, પણ પ્રકૃતિની નજીક રહીને માનસિક શાંતિ પણ મળી. વર્ષ 2019થી શરૂ કરેલી આ ખેતી આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. 2020માં તેઓ સરકાર દ્વારા સંચાલિત આત્મા પ્રોજેક્ટના સભ્ય બન્યા અને મિશ્ર મોડલ ખેતી અપનાવી. તેમના ખેતરમાં આજે શાકભાજી સાથે ફળો અને હર્બલ છોડની અનેક જાતો કરી રહી છે. શાકભાજી વેચીને તેઓ દર વર્ષે 4 થી 5 લાખ રૂપિયાની આવક મેળવે છે, જ્યારે આગામી વર્ષોમાં ફળો અને ઔષધીય છોડમાંથી વધુ સારી આવકની અપેક્ષા છે. સંજયભાઈની ગૌશાળા તેમની ખેતીનું હૃદય છે. લગભગ 33 ગાયોની સેવા તેઓ કરે છે. આઈઓટી આધારિત મિકેનિઝમ દ્વારા ખેતરમાં તાપમાન, પવનની ગતિ, વરસાદનું પ્રમાણ, ધુમ્મસ અને જમીનની ભેજ જેવા પરિમાણોનું સચોટ નિરીક્ષણ થાય છે. મોબાઇલ એપ્લિકેશન મારફતે તેઓ પાણી આપવાની જરૂરીયાતથી લઈને સ્લરી વિતરણ સુધીની દરેક પ્રક્રિયા સરળતાથી નિયંત્રિત કરી શકે છે. આ પદ્ધતિએ તેમને ઉપજમાં ગુણવત્તા અને ઉત્પાદકતા બંનેમાં વધારો અપાવ્યો છે.