કવિ દુલા કાગ સ્કૂલમાં પ્રવેશ માટે ધસારો થતો હોવાથી ૯ નવા વર્ગો બનાવાશે

વડોદરાઃ શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિ દુલા કાગ સ્કૂલ સમિતિની સૌથી વધારે વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલ છે.આ સ્કૂલમાં ગુજરાતી માધ્યમના ૧૩૦૦ અને અંગ્રેજી માધ્યમના ૪૫૦ મળીને કુલ ૧૭૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
શહેરની ખાનગી સ્કૂલોની જેમ અહીંયા દર વર્ષે પ્રવેશ માટે ધસારો થાય છે.દર વર્ષે ૨૦૦ જેટલા બાળકોને પ્રવેશ અપાયા પછી પણ ૧૫૦ જેટલા બાળકો પ્રવેશથી વંચિત રહી જાય છે.જેના કારણે હવે આ સ્કૂલમાં એક વધારાના ફ્લોરનું બાંધકામ કરવાનો નિર્ણય લેવાયો છે.અત્યારે સ્કૂલમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો ફ્લોર છે. નવા ફ્લોર પર નવ વર્ગો બનશે.જેના કારણે વધુ બાળકોને પ્રવેશ આપવાનું શક્ય બનશે.જેનું ખાત મુહૂર્ત તા.૧૩ નવેમ્બરે સવારે ૧૧ વાગ્યે શાળાના પ્રાંગણમાં કરવામાં આવશે.સ્કૂલના આચાર્ય જિગર ઠાકરે કહ્યું હતું કે, નવો ફ્લોર બન્યા બાદ વધારે બાળકોને પ્રવેશ આપવાથી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૦૦ ઉપર પહોંચી જશે.આમ ૨૦૦૦ બાળકોને ભણાવનારી કવિ દુલા કાગ સ્કૂલ શહેરની પહેલી સરકારી સ્કૂલ બનશે.
સ્કૂલમાં પ્રવેશ માટેની પડાપડીના કારણો
--શિક્ષણ સમિતિની સ્કૂલ હોવાથી ફી આપવાની નથી થતી પણ તેની સામે શિક્ષણ અને બીજી સુવિધાઓ ખાનગી સ્કૂલ જેવી છે
--નિયમિત રીતે વાલીઓની બેઠક બોલાવાય છે
--વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ વાલીઓને બતાવવામાં આવે છે
--ખાનગી સ્કૂલો જેવો જ યુનિફોર્મ
--સ્કૂલની દરેક પ્રવૃત્તિની સોશ્યલ મીડિયા પર જાણકારી અપાય છે.જેથી વાલીઓ માહિતગાર રહે

