વડોદરામાં ગોત્રી ગોકુલ નગર ખાતે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું નવું બિલ્ડિંગ બનશે
- સમગ્ર સભાએ રહેણાંક હેતુ માટેના રિઝર્વ પ્લોટ ખાતે હેલ્થ સેન્ટર બનાવવા હેતુફેર કરવા મંજૂરી આપી
વડોદરા, તા. 29 ઓગસ્ટ 2021 રવિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોત્રી પ્રારંભિક ટીપી સ્કીમ નંબર 60 માં સામાજિક અને આર્થિક નબળા વર્ગના રહેણાંક માટેના અનામત પ્લોટ નો સામાજિક માળખા તરીકે હેતુફેર કરી ને અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવાશે.
અગાઉ ટાઉન પ્લાનિંગ સમિતિએ આ દરખાસ્ત મંજૂર કરી હતી, જેને સમગ્ર સભા એ પણ મંજૂર કરી છે. ટીપી સ્કીમ નંબર 60 ગોત્રીને સરકારનાં જાહેરનામા દ્વારા તારીખ 16 -5 -14 થી પ્રારંભિક ટીપી સ્કીમ તરીકે મંજૂર કરી છે.
આ યોજનાની દરખાસ્ત મુજબ ફાઇનલ અનામત પ્લોટ નંબર 124 સામાજિક અને આર્થિક નબળા વર્ગના રહેણાંક માટે ફાળવવામાં આવેલો છે. આરોગ્ય વિભાગના આરોગ્ય અમલદાર દ્વારા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવવા સક્ષમ કક્ષાએ મંજૂરી મેળવી બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાને હેલ્થ સેન્ટર બનાવવા રજૂઆત કરી છે.
આ પ્લોટનો હેતુફેર કરવા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ મુજબ આવશ્યક કાર્યવાહી કરવી જરૂરી છે ,એટલે કે ફાઇનલ પ્લોટ સામાજિક માળખા તરીકે હેતુફેર કરવા સરકાર દ્વારા વેરીએસન કરાવવા ટાઉન પ્લાનીંગ સમિતી દ્વારા સમગ્ર સભાની મંજૂરી મેળવવી જરૂરી હોવાથી તેને મંજૂર કર્યા બાદ સમગ્ર સભાએ પણ મંજૂરી આપતા હવે ત્યાં અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવી શકાશે.
ગોત્રી ગોકુલ નગર અર્બન હેલ્થ સેન્ટર માં આમ નવું બિલ્ડિંગ બનશે. કોર્પોરેશન ના 34 અર્બન હેલ્થ સેન્ટર છે. જેમાંથી 22 ના નવા બિલ્ડિંગ બની ચૂક્યા છે, અને હાલ એક બે સ્થળે કામગીરી ચાલુ છે.