રૃા.૧૬૬ કરોડના ખર્ચે કામગીરીનો પ્રારંભ ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનું લક્ષ્ય
કેમ્પ સાઇટ ડેવલોપ કરવાની સાથે હવે નદીમાં પાણી ઓછું થતાં જ ફાઉન્ડેશનનું કામ શરૃ થશે
વડોદરા, તા.1 વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તૂટેલા બ્રિજની નજીકમાં જ નવો બ્રિજ બનાવવાનું કામ શરૃ કરી દેવામાં આવ્યું છે. એક વર્ષમાં નવો બ્રિજ બનવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે તા.૯ જુલાઇના રોજ સવારના સુમારે મુજપુર પાસે આવેલા ગંભીરા બ્રિજ પર વાહનોની અવરજવર ચાલુ હતી ત્યારે બ્રિજ પરનો એક સ્પાન તૂટી જતા બ્રિજના બે કટકા થઇ ગયા હતા અને અનેક વાહનો મહિસાગર નદીના પાણીમાં ખાબક્યા હતા તો કેટલાંક વાહનો બ્રિજ પર લટકાઇ ગયા હતાં. આ ઘટનામાં ૨૧ વ્યક્તિના મોત નિપજ્યા છે.
ગંભીરા બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહત્વનો બ્રિજ હતો. આશરે ૪૩ વર્ષ જૂનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ બંને જિલ્લાના લોકોની અવરજવર પર અસર પડી હતી. આ સ્થળે નવો બ્રિજ બનાવવાની તાત્કાલિક જરૃર હોવાથી તે માટેના પ્રયત્નો શરૃ કરવામાં આવ્યા હતાં. દરમિયાન જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર પ્રોસેસિંગ શરૃ કરવામાં આવ્યું હતું અને ગુજરાતની મંગલમ કન્સ્ટ્રક્શન કંપનીને વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહિ નદી પર નવો બ્રિજ બનાવવાનું કામ સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કન્સ્ટ્રક્શન કંપનીએ રૃા.૧૬૬ કરોડનું ટેન્ડર ભર્યું હતું જેને મંજૂરી મળતાં જ તા.૧૪ ઓગસ્ટના રોજ વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે આ સાથે જ કેમ્પ સાઇટ ડેવલોપ કરવાનું કામ પણ શરૃ કરી દેવામાં આવ્યું છે. કંપની દ્વારા મશિનરી ગોઠવવામાં આવી રહી છે અને કેમ્પ તૈયાર કરવાની સાથે જ ફાઉન્ડેશનનું પણ કામ હાથ ધરાશે. હાલમાં નદીમાં પાણી હોવાથી કેમ્પ સાઇટ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ કરી દેવાનું વર્ક ઓર્ડરમાં જણાવાયું છે. આ બ્રિજ અંગે આજે ગાંધીનગરમાં મહત્વની બેઠક પણ યોજાઇ હતી.