Gujarat

રથયાત્રા પર નેત્રમ્ની નજર અને પોલીસ કંટ્રોલરૂમનું મોનિટરિંગ

By GS TEAM
28 Jun 20252 mins read
રથયાત્રા પર નેત્રમ્ની નજર અને પોલીસ કંટ્રોલરૂમનું મોનિટરિંગ

- પ્રથમ ફ્લોટથી રથ સુધીની પળેપળની મુવમેન્ટ પર પોલીસની વૉચ

- સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ વિભાગ હાઈએલર્ટ પર રહ્યો, દર એક મીટરે એક પોલીસકર્મીની તૈનાતી

ભાવનગર : ભાવનગર શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ કન્ટ્રોલરૂમ અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી વિશેષ મોનિટરિંગ થયું હતું.

ભાવનગર શહેરમાં નિકળેલી ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત ઉપરાંત પોલીસ કંટ્રોલરૂમ અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ પરથી પોલીસની વિશેષ વૉચ રહેલી હતી. રથયાત્રાના રૂટ પર રહેલા ૫૦થી વધારે પોલીસના વાહનો પોલીસ કંટ્રોલરૂમ સાથે વાયરલેસથી સંપર્કમાં હતા અને કટ્રોલ રૂમને મળતા કોલને ઓછામાં ઓછા સમયમાં પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે સ્ટાફ કામગીરી કરી રહ્યો હતા. ઉપરાંત નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પરથી રથયાત્રાના રૂટ પર આવતા સીસીટીવી કેમેરા ઉપરાંત બોડીવોર્ન કેમેરાથી ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોને લઈને પોલીસ વિભાગ હાઈએલર્ટ રહ્યું હતું અને આ વિસ્તારોમાં દર એક મીટરે એક પોલીસકર્મીની તૈનાતી કરવામાં આવી છે.

સમગ્ર રથયાત્રા નિવઘ્ન પૂર્ણ થાય તે માટે રથયાત્રાના સમગ્ર રૂટ ને જુદા જુદા પાંચ સેક્ટરમાં વિભાજિત કરી ત્રિ-સ્તરીય બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં પાંચ હજારથી પણ વધુ પોલીસકર્મીઓની તૈનાતીથી શહેર પોલીસ છાવણીમાં તબદીલ થયું હતું. આ સમગ્ર રથયાત્રામાં જિલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલની નિગરાની હેઠળ નિજ મંદિરથી રથયાત્રા નિકળે તે પૂર્વે જ ૧૪ એ.એસ.પી, ડી.વાઇ.એસ.પી., ૪૪ પી.આઇ., ૧૧૨ પી.એસ.આઇ., ૧૯૧૦ પોલીસ કોન્સ્ટેબલ, ૧૫૧૫ હોમગાર્ડ, બી.ડી.એસ. ૩ ટીમ, ૩૦ માઉન્ટેડ પોલીસ, સી.આઇ.એસ. એફ. ની એક ટુકડી, એસ.આર.પી.ની પાંચ ટુકડી, ૧૬૨ સી.સી.ટી.વી., ૨૪ બોડી વોર્ન કેમેરા, ૦૪ ડ્રોન કેમેરાની મદદથી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતો. જેમાં ભગવાનના રથની સુરક્ષાની જવાબદારી ચાર ડી.વાઇ.એસ.પી.કક્ષાના અધિકારીઓએ સંભાળી હતી.