જીએસટીના સ્લેબમાં ફેરફાર: રાજ્યો વળતર માગશે
ઘટ પૂરી કરવા માટે અલ્ટ્રા લક્ઝરી આઈટેમ્સ પર લેવાતા જીએસટી ઉપરાંત જંગી પ્રમાણમાં સેસ પણ વસૂલવામાં આવે તેવી સંભાવના
સ્લેબમાં આવનારા ફેરફાર સાથે જ અલ્ટ્રા લક્ઝરી આઈટેમ્સ પર ૪૦ ટકાના જીએસટી ઉપરાંત સેસ લગાડવામાં આવે તેવી શક્યતા
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
જીએસટીના બદલાનારા દરને પરિણામે રાજ્ય સરકારોની આવક પર પડનારી અવળી અસર અંગે સવાલો ઊઠવા માંડયા છે. કેન્દ્ર સરકારની આવકમાં અંદાજે ૧.૧૦ લાખ કરોડના પડનારા ગાબડાંને ધ્યાનમાં લેતા રાજ્યોની આવકમાં પણ બેથી ચાર હજાર કરોડનું ગાબડું પડી શકે છે. આ સ્થિતિમાં પડનારી ઘટને સરભાર કરવાનું આયોજન કોણ કરશે તેવો સવાલ ઊઠાવવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્ર સરકાર ફોડ પાડે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે પાન મસાલા, અલ્ટ્રાલક્ઝરી કાર અને તમાકુ પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ૪૦ ટકા કરી દેવામાં આવે તેવી સંભાવના
જીએસટીના ચાર સ્લેબમાંથી માત્ર બે જ સ્લેબ કરી દેવાને પરિણામે આવકમાં પડનારી ઘટ અંગે દેશના ઘણાં રાજ્યોએ દહેશત વ્યક્ત કરી જ છે. આ ઘટ પૂરી કરવા માટે અલ્ટ્રા લક્ઝરી આઈટેમ્સ પર લેવાતા જીએસટી ઉપરાંત જંગી પ્રમાણમાં સેસ પણ વસૂલવામાં આવે તેવી સંભાવનાને નકારી શકાતી નથી. આમ સ્લેબ બદલવાની સાથે જ સેસમાં પણ વધારો કરવામાં આવે તેવી સંભાવના રહેલી છે. હા, તેને માટે જીએસટી એક્ટની કલમ ૧માં ફેરફાર કરીને જીએસટીના દર ઉપરાંત લેવ્વી વસૂલવાની છૂટ મળી શકશે. તેના થકી સરકારની આવકમાં પડનારી ઘટને સરભર કરી દેવામાં આવે તેવી સંભાવના રહેલી છે.
જીએસટી પર સેસના સ્વરૃપમાં વધારાનો બોજ નાખવામાં આવે તો તેના થકી થનારી આવક સીધી રાજ્ય સરકારની તિજોરીમાં જ જવી જોઈએ તેવી માગણી પણ રાજ્યના નાણાં મંત્રીઓએ કરી છે. રાજ્ય સરકાર આવક માટે બહુધા જીએસટીની આવક પર જ મોટો મદાર બાંધીને બેઠાં હોવાથી તેમણે આ બાબતમાં વધુ સાવધ રહેવું પણ જરૃરી છે. ૨૦૧૭થી ૨૦૨૨ના ગાળામાં રાજ્ય સરકારોને જીએસટીની આવકમાં વાર્ષિક ૧૪ ટકાના વધારાની ગણતરી સાથે થયેલી ખોટને કેન્દ્ર સરકારે સરભર કરી આપી છે. હવે સેસના માધ્યમથી થનારી આવકનો ઉપયોગ કરીને રાજ્ય સરકારો ઘટને સરભર કરવા માગે છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના બે સ્લેબ કરવાને પરિણામે ૨૮ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કેટેગરીમાં આવતી અલ્ટ્રા લક્ઝરી કાર પર લેવાતો જીએસટી વધારીને ૪૦ ટકા કરી દેવામાં આવે તેવી સંભાવના રહેલી છે. તેમ જ વ્યસનીઓના આરોગ્ય પર અવળી અસર કરીને સરકારની હેલ્થ કોસ્ટ વધારી રહેલા તમાકુ અને તમાકુની બનાવટો પર ૪૦ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવાનું આયોજન કરવામાં આવી શકે છે. આ જ રીતે ઓનલાઈન ગેમિંગ પરનો ટેક્સ પણ ૪૦ ટકા કરી દેવામાં આવે તેવી સંભાવના છે.