Gujarat

મામા અને મામી સાથે 2.70 કરોડની ઠગાઇ કરનાર ભાણિયો ઝડપાયો

By GS TEAM
15 Jun 20252 mins read
મામા અને મામી સાથે 2.70 કરોડની ઠગાઇ કરનાર ભાણિયો ઝડપાયો

- કેનેડાના વિઝા અપાવવાના બહાને

- વડોદરાના માંજલપુર વિસ્તારનો ધુ્રવ સુરત, અમદાવાદની હોટલોમાં રોકાતો હતો : આણંદની હોટલમાંથી મોડી રાત્રે ઝડપી પાડયો

કરજણ : કરજણ તાલુકાના કંડારી ખાતે રહેતા મામા અને મામીને કેનેડાના વિઝા કરાવી આપવાની  લાલચ આપી રૂા.૨.૭૦ કરોડ પડાવી લઈ ખોટી એર ટિકિટો મોકલી તેમજ પડાવેલા પૈસાના બદલામાં પોતાના મકાનની ટોકન પાવતી લખી આપી છતાં મકાન કે પૈસા પરત નહી આપી છેતરપિંડી કરનાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ભાણિયાને આણંદની એક  હોટલમાંથી પોલીસે ઝડપી પાડયો હતો.

કરજણ તાલુકાના કંડારી ગામે સ્વામીનારાયણ ખડકીમાં રહેતાં દર્શન વિનોદભાઈ પંચાલ અને તેમની પત્નીને કેનેડા જવાનું હોવાથી સગા કાકાની માંજલપુર ખાતે રહેતી દીકરી દિવ્યાનીબેન ગૌરાંગભાઈ પટેલના પુત્ર ધુ્રવ સાથે સંપર્ક થતાં ગત નવેમ્બર ૨૦૨૨માં ધુ્રવ સાથે મોબાઈલ ઉપર થયેલી વાતચીત પ્રમાણે વિઝા મેળવવા માટેની પ્રોસેસ માટે મામા પાસેથી ભાણા ધુ્રવ અને  ભાણી તેમજ બહેને કુલ રૂા.૨.૭૦ કરોડ  પડાવી લીધા હતાં. 

આ બનાવમાં ધુ્રવ ગૌરાંગકુમાર પટેલ, તેની માતા દિવ્યાનીબેન ગૌરાંગભાઈ પટેલ (રહે.સુબોધનગર સોસાયટી, માંજલપુર) તેમજ ભાણી મનાલી દીપકુમાર પટેલ (રહે.માંજલપુર) સામે ફેબુ્રઆરી માસમાં કરજણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ બાદ માસ્ટર માઇન્ડ ધુ્રવ પટેલ છેલ્લા ચાર માસથી ફરાર હતો. દરમિયાન જિલ્લાના પેરોલ ફર્લો સ્કવોડને માહિતી મળી હતી કે તે આણંદની હોટલમાં રોકાયો છે જેથી એક ટીમ આણંદ પહોંચી ગઇ હતી અને રોક ઈન હોટલ, ઇન્દિરા સ્ટેચ્યુ ચોકથી ઝડપી પાડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ધુ્રવ સુરત, અમદાવાદ સહિત અનેક શહેરોમાં મિત્રોને મળીને હોટલમાં રોકાતો હતો. આ સમય દરમિયાન તે પોતાના મોબાઇલ નંબરો પણ બદલતો રહેતો હતો.

સટ્ટા બેટિંગ અને કેસિનોમાં રૂપિયા હારી જતો હતો

કરજણ ઃ કેનેડાના વિઝાના નામે છેતરપિંડી કરતો ધુ્રવ અગાઉ વડોદરા રહેતો હતો ત્યારે સટ્ટે બેટિંગ સાથે સંકળાયેલો હતો.  તેના પિતાએ તેને કેનેડા મોકલ્યો હતો પરંતુ તે ત્યાં પણ કેસિનોમાં જઇ રૂપિયા ઉડાવી દેતો હતો. તે વખતે પિતા પાસેથી સેવિંગના નામે પૈસા મેળવતો હતો પરંતુ તેના પિતાનું મૃત્યુ થયા બાદ તેનો સહારો જતો રહ્યો હતો અને લોકો સાથે ઠગાઇ કરવાનું શરૂ કરી દીધું હતું. થોડા દિવસો બાદ તે પણ કેનેડા ભાગી જવાનો હતો તેણે ફાઇલ પણ મૂકી હતી પરંતુ તે કેનેડા પહોંચે તે પહેલાં તેને ઝડપી પાડયો હતો.