Get The App

ચોરી કરી જતાં નેપાળી યુવાનને છરીના ઘા ઝીંકયા હતા, બે ઝડપાયા

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
ચોરી કરી જતાં નેપાળી યુવાનને છરીના ઘા ઝીંકયા હતા, બે ઝડપાયા 1 - image

કેકેવી સર્કલ પાસે બનેલી ઘટના

ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓને ઝડપી લઈ ગાંધીગ્રામ પોલીસના હવાલે કર્યા

રાજકોટ: કેકેવી હોલ પાસેની ફૂટપાથ પર ગઈકાલે રાત્રે ગોપાલ નવરાજ સાઉદ નામના ર૪ વર્ષના નેપાળી યુવાન પર બે શખ્સોએ છરી વડે ખૂની હુમલો કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓને ઝડપી લઈ ગાંધીગ્રામ પોલીસના હવાલે કર્યા હતા. 

પોલીસ તપાસમાં બહાર આવ્યા પ્રમાણે ગોપાલ ગઈકાલે રાત્રે કેકેવી હોલ પાસેની ફૂટપાથ પર હતો ત્યારે બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. તેના પેટની ડાબી બાજુ પડખાના ભાગે છરીના ઘા વાગતાં લોહીલુહાણ હાલતમાં સિવીલમાં ખસેડાયો હતો. ગાંધીગ્રામ પોલીસે નાનામવા રોડ પર રહેતાં અને સલુનમાં નોકરી કરતાં તેના ભાઈ ચેતમાનની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. 

ક્રાઈમ બ્રાંચે તપાસમાં ઝંપલાવી બંને આરોપીઓને ઝડપી લીધા હતા.  જેમાં દેવરાજ ઉર્ફે લાલો મુકેશ પરમાર (ઉ.વ.૩૦)અને સોનું ઉર્ફે સોહન ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.ર૩) (રહે. બંને  ઘંટેશ્વર રપ વારીયા કવાટર્ર પાસે)નો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં એવુ ખુલ્યું છે કે બંને આરોપીઓ હાલ કેકેવી સર્કલ પાસે ફૂટપાથ પર રહે છે. બંનેને ત્યાંથી થોડા સમય પહેલાં ગોપાલે વાસણો અને રોકડ રકમની ચોરી કરી હતી. ગઈકાલે રાત્રે ફરીથી ગોપાલ ત્યાં જતાં આરોપીઓએ ઝઘડો કર્યા બાદ છરીના ઘા ઝીંકી દીધા હતા. ગોપાલ રખડતો ભટકતો રહે છે. જે જગ્યાએ નોકરી કરતો ત્યાં કે તેની આજુબાજુના વિસ્તારમાં રહેતો હતો. તેના ભાઈને પણ તેનું હાલનું સરનામાની જાણ ન હતી.