વડોદરામાં લિફ્ટનો દરવાજો જોરથી બંધ કરવા મામલે પાડોશીઓ બાખડયા
Vadodara : વડોદરા શહેરના પોલોગ્રાઉન્ડ મેદાનની સામે આવેલ લાડ એપાર્ટમેન્ટમાં લિફ્ટનો દરવાજો બંધ કરવા મામલે પાડોશીઓ ઝઘડતા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ, ખ્યાતિબેન પટેલની ફરિયાદ હતી કે, અમારા એપાર્ટમેન્ટમાં જ રહેતા વિપુલ ગીરીશભાઈ રાવ અવાર નવાર લિફ્ટનો દરવાજો જોરથી બંધ કરતા હોય જેથી મેં તેમને દરવાજો ધીમે બંધ કરવા કહ્યું હતું, તેમણે દરવાજો આવી રીતે જ બંધ થશે તારે જે કરવું હોય તે કરી લે તેવો જવાબ આપ્યો હતો, જેથી હું તથા સોસાયટીના પ્રમુખ વિપુલભાઈને તેમના ઘરે સમજાવવા માટે ગયા હતા. જ્યાં વિપુલભાઈએ મને અપશબ્દો બોલી લાફો માર્યો હતો. આ સમયે મારા પતિ કુણાલ આવી પહોંચતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મારા પતિની હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું છે. જ્યારે સામે વિપુલ ગીરીશભાઈ રાવએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, લિફ્ટનો દરવાજો ધીમે જ બંધ કરું છું પરંતુ અવાજ આવે તો હું શું કરું તેમ કહ્યું હતું, ત્યારબાદ તેઓએ સોસાયટીના પ્રમુખ સાથે મારા ઘરે આવી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું, અને તેમના પતિ કૃણાલએ મારી સાથે મારામારી કરી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે નવાપુરા પોલીસે ખ્યાતિબેન, કુણાલભાઈ તથા વિપુલભાઈ વિરુદ્ધ ગુનો નોધ્યો હતો.