Get The App

અમદાવાદના દાણીલીમડામાં પણ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત થયાનો આક્ષેપ

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના દાણીલીમડામાં પણ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત થયાનો આક્ષેપ 1 - image


Ahmedabad Cow Died News : થોળ ગામમા આવેલી રાધા કૃષ્ણ પાંજરાપોળમાં રાખવામા આવેલી ગાય પૈકી 27 ગાયના મોત થવાની ઘટના પછી અમદાવાદના દાણીલીમડા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાંના મોત થયા હોવાનો આક્ષેપ કરાયો છે. કોર્પોરેશનની બેદરકારીથી આ મોત થયા હોવા મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપવામાં આવી છે.

જયારે કોર્પોરેશનના અધિકારીઓએ એવો દાવો કર્યો છે કે,જે પશુ મરણ પામ્યા છે તે કુદરતી કારણથી  થયા છે. પોસ્ટમોર્ટમ કરવામા આવતા એક આખલાની હોજરીમાંથી 12 કિલોગ્રામ પ્લાસ્ટિક મળી આવ્યુ હતુ.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, મંગળવારે સવારના 9 કલાકની આસપાસ કોર્પોરેશનના ઢોર ડબામાં દસ જેટલી ગાય અને વાછરડાંના બિમારીના કારણે મોત થયા હોવાનુ જાણવા મળતા માલધારી સમાજના આગેવાનો કોર્પોરેશનમાં રજુઆત કરવા પહોંચ્યા હતા.

મરણ પામેલ ગાય અને વાછરડાં બતાવવાનુ કહેતા રજુઆત સાંભળવામા નહીં આવતા પોલીસ કંટ્રોલમાં જાણ કરાઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચતા મરણ પામેલ ગાય અને વાછરડા બતાવવામા આવ્યા હતા. સી.એન.સી.ડી. વિભાગના અધિકારી દિવ્યેશ સોલંકીના કહેવા મુજબ, દાણીલીમડા ઢોરડબામાં હાલમાં 950 ગાય ,વાછરડાં અને આખલા રાખવામા આવેલા છે.

સવારે 9 કલાકના સુમારે રુટીન ચેકઅપ ચાલી રહ્યુ હતુ તે સમયે કેટલાક પશુપાલકો ઢોરડબામાં ઘુસી ગયા હતા.જયાં તેમણે સરકારી કામગીરીમાં અવરોધ  ઉભો કરી મરણ પામેલા પશુઓના ફોટા અને વિડીયો લઈ સોશિયલ મિડીયામાં વાઈરલ કર્યા હતા.હું પોતે સ્થળ ઉપર હાજર હતો. જે પશુઓના મરણ થયા છે એ પૈકી એક ગાય ન્યુમોનીયાથી પીડાતી હતી. આ સિવાય મરણ પામેલામાં બે આખલા અને સાત વાછરડાંનો સમાવેશ થાય છે.

પશુપાલકો તરફથી બેદરકારીના કરવામા આવેલા આક્ષેપોમાં કોઈ તથ્ય નથી.તમામ મૃત પશુઓના પોસ્ટ મોર્ટમ પશુપાલકોની હાજરીમાં કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ કોર્પોરેશનના ઢોર ડબામાં રાખવામાં આવેલી ગાયો એકાએક ગાયબ થવાની અને મ્યુનિ.બોર્ડમાં રજૂઆત કરતા 90 ગાય ફરી પરત આવી ગઈ હોવાની ઘટના પાંચ વર્ષ અગાઉ બનવા પામી હતી.

  

Tags :