Get The App

ખેડામાં ટ્રાફિકને નડતરરૂપ વીજ પોલ હટાવવામાં તંત્રની ઉપેક્ષા

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
ખેડામાં ટ્રાફિકને નડતરરૂપ વીજ પોલ હટાવવામાં તંત્રની ઉપેક્ષા 1 - image

- અન્ય દબાણો દૂર કરવામાં આવ્યાં 

- રોડની સાઇડમાં નવો પોલ ઉભો કરી નવી લાઇન ખસેડી પણ થાંભલો યથાવત્ રાખતા રોષ 

નડિયાદ : ખેડા નગરપાલિકા દ્વારા હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ શહેરના સરદાર સ્ટેચ્યુ જવાના મુખ્ય માર્ગ પર ટ્રાફિકમાં અવરોધ રૂપ વીજળીના પોલને હટાવવા બાબતે તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવામાં આવી છે. 

ખેડા શહેરના સ્ટેશન વિસ્તારમાં સરદાર સ્ટેચ્યુ તરફ જવાના મુખ્ય માર્ગ પર અગાઉ આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડના નિર્માણ સમયે રસ્તાની વચ્ચે આવતા અને ટ્રાફિકને નડતરરૂપ વીજ પોલને હટાવવા રજૂઆત કરતા વીજ કંપની દ્વારા રોડની સાઈડ પર નવો થાંભલો ઉભો કરવામાં આવ્યો હતો. તેમજ રોડ વચ્ચેના પોલ ઉપરથી વીજ વાયરો નવા થાંભલા પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ વીજ કંપની દ્વારા રોડ વચ્ચે ટ્રાફિકને નડતરરૂપ જૂનો પોલ દૂર કરવામાં આવ્યો નથી.આ જૂનો પોલ રસ્તાની વચ્ચે હોવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રોડની સાઈડ પર આવેલા દુકાનદારો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે રસ્તો વધુ સાંકડો બની ગયો છે. ખેડા શહેરના હાર્દ સમા વિસ્તારમાં રોડની વચ્ચે શોભાના ગાંઠિયા સમાન ઉભેલો લોખંડનો થાંભલો હટાવવા નગરજનોમાંથી માગણી ઉઠવા પામી છે.