પાલિકાના પ્રોજેક્ટમાં બેદરકારી: પાલોનપોર કેનાલ રોડ પર રેન બસેરા બાંધકામાં ઊંચાઈ પર સલામતીના સાધનો વગર કારીગરો કરી રહ્યાં છે કામ
સુરત પાલિકાના કેટલાક પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામદારોની સલામતી ન રખાતી હોવાના અનેક આક્ષેપો વચ્ચે પાલનપોર વિસ્તારમાં પાલિકાની બની રહેલી એક મિલકતમાં સલામતીના સાધનો વિના કામગીરી ચાલી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો આ સમયે કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી કોની તે પ્રશ્ન ઉભો થયો છે.
દસ હજાર કરોડનું બજેટ ધરાવતી સુરત પાલિકા વિસ્તારમાં અનેક વિકાસના કામો ચાલી રહ્યું છે જેમાં ઘર વિહોણા માટે રેન બસેરા પ્રોજેક્ટ નો સમાવેશ થાય છે. પરંતુ આવા નાના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવતી હોવાની ફરિયાદ થઈ રહી છે. કોન્ટ્રાક્ટરો બેદરકારી દાખવતા હોવા છતાં પાલિકા ના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છે અને તેના કારણે અકસ્માતમાં કામદાર જીવ ગુમાવે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.
હાલમાં પાલનપોર કેનાલ રોડ પર ગોગા ચોક વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 8માં ગીરધર નગર આવેલું છે અેન ત્યાં નજીક રેન બસેરા ની કામગીરી ચાલી રહી છે. ત્રીજો માળ અને ટેરેસ પર કામગીરી ચાલી રહી છે અને કામદારો જોખમી રીતે કામ કરી રહ્યાં છે તેવો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ઉંચાઈ પર બાંધવામાં આવતી પાલક પર હેલ્મેટ, બેલ્ટ કે અન્ય સલામતી વિના જ કામ કરી રહ્યાં હોવાના વિડીયો સાથે મ્યુનિ. તંત્રને ફરિયાદ થઈ છે અને બેદકારી દાખવનારા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગણી થઈ છે.