તાલાલામાં પ્રસૂતાનાં મોત મામલે તબીબ સામે બેદરકારીની ફરિયાદ
આરોગ્ય અધિકારીના રિપોર્ટના આધારે ગુનો દાખલ : પીપળવા ગીર ગામની સગર્ભાને 2 મહિના પહેલાં વઘાસિયા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ મૃત્યુ નીપજ્યું હતું
તાલાલા ગીર, : તાલાલા તાલુકાનાં પીપળવા ગીર ગામની પરિણીતાનું પ્રસૃતિમાં તબીબની બેદરકારીનાં કારણે મરણ થયાનું ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારીએ કરેલ તપાસમાં ફલિત થતાં તાલાલા પોલીસે શહેરમાં ગુંદરણ રોડ ઉપર આવેલ વઘાસિયા હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ડો.અક્ષય હડીયલ સામે ગુનો દાખલ કરતાં ભારે ચકચાર ફેલાઈ છે.
તા. 25 મેનાં રોજ પીપળવા ગીર ગામના કવિબેન જયેશભાઈ નંદાણીયા સગર્ભા હોવાથી વઘાસિયા હોસ્પિટલમાં તપાસણી માટે ગયા ત્યારે ડો.અક્ષય હડીયલે કોઈ પણ જાતની સોનોગ્રાફી કર્યા વગર નોર્મલ ડિલિવરી થઈ જશે તેમ કહીને દાખલ કરી દીધા હતાં. બાદમાં સારવાર દરમ્યાન અચાનક બાળકનાં ધબકારા ઓછાં થઈ જવા તેમજ મળ પી ગયાની વાત કરી કોઈ પણ તજજ્ઞા તબીબ વગર પોતાની જાતે એનેસ્થેસિયા આપી સિઝેરીયન ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ વધુ પડતું લોહી નીકળતું હોઈ તેમજ તાણ આંચકી આવતા જરૂરી બ્લડ રિપોર્ટ કર્યા વગર બ્લડ ચડાવી લાંબી સારવાર ચાલુ રાખી હતી. છેલ્લે કવિબેનની તબિયત ખૂબ જ બગડી ત્યારે વેરાવળ રિફર કર્યા હતા, પરંતુ આ દરમ્યાન મૃત્યુ પામ્યા હતા.
તબીબની બેદરકારીના કારણે મૃત્યુ પામ્યા હોવાના આક્ષેપ સાથે તાલાલા પોલીસ તથા ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગને જે તે વખતે પતિએ ફરિયાદ કરી હતી. આ સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારીએ વેરાવળ હોસ્પિટલનાં ત્રણ તબીબો દ્વારા પેનલ પી.એમ. કરાવી વધુ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન પીપળવા ગીર ગામના પરિણીતાનું તબીબની બેદરકારીના કારણે મરણ થયાનું ફલિત થતાં જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રાથમિક અહેવાલ તાલાલા પોલીસને આપતા તાલાલા પી.આઈ. જે.એન. ગઢવીએ પરિણીતાના પતિ જયેશભાઈ રામભાઈ નંદાણીયાને બોલાવી ફરિયાદ લઈ ડો. અક્ષય હડિયલ સામે બી.એન.એસ. એક્ટ 106(1) (બેદરકારીથી મૃત્યુ નિપજાવવા) હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી તાલાલા શહેરમાં ભારે ચકચાર ફેલાઈ છે.