Get The App

રાજકોટના સરદાર પટેલ સ્મારક ભવન પ્રત્યે સરકારી તંત્રની ઉપેક્ષા

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટના સરદાર પટેલ સ્મારક ભવન પ્રત્યે સરકારી તંત્રની ઉપેક્ષા 1 - image

માત્ર હોર્ડિંગની આવકમાંથી સ્મારક ભવનનું સંચાલન : સરદાર સાહેબના જીવન પ્રસંગોની ઝાંખી કરાવતી 240 દુર્લભ તસવીરોના પ્રદર્શનના નિભાવ માટે સરકારી ગ્રાન્ટ આપવાની રજૂઆતો અભેરાઇએ

રાજકોટ, : અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલનું સ્મારક ભવન રાજકોટનાં કિશાનપરા ચોકમાં 49 વર્ષ પૂર્વે  માં અસ્તિત્વમાં આવ્યા બાદ આ સ્મારક ભવનના નિભાવ માટે અનેક  વખત સરકારમાં રજૂઆત કરી હોવા છતાં પગાર કે નિભાવની કોઇ ગ્રાન્ટ રાજ્ય સરકાર, મ્યુ. કોર્પોરેશન કે કલેક્ટર તંત્રએ આજ સુધી આપી નથી. 

આઝાદી પછી સરદાર પટેલના સંસ્મરણો જીવંત રહે તે માટે અહીં રેસકોર્સમાં 3,000 મીટર ચોરસ વાર જમીન ઉપર સરદાર પટેલનું જે સ્મારક ઉભું કરવાનું આવ્યું છે. તેનું ઉદ્દઘાટન 1976માં તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ બી. ડી. જાનીના હાથે કરવામાં આવ્યું હતું. અહીં સરદાર પટેલ ચિત્ર પ્રદર્શનમાં સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા. સરદાર સાહેબના સંસ્મરણોની દુર્લભ તસવીરોની પેનલ મુકવામાં આવી છે. 

જેમાં સરદાર સાહેબના જન્મ સ્થળથી માંડીને તેમના કૌટુંબિક પરિવાર, દેશી રાજ્યોના એકીકરણમાં તેમની મહત્વની ભુમિકા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કેશોદ, સોમનાથની મુલાકાતની તસવીરોની ઉપરાંત એક અખંડ ભારતના શિલ્પી તરીકેનું જીવન તસવીરો દ્વારા દર્શાવવામાં આવ્યું છે. નવી પેઢી માટે પથદર્શક એવા સરદાર પટેલના જીવનની તસવીરોનું પ્રદર્શન સૌરાષ્ટ્રમાં લગભગ ક્યાંય જોવા મળતું નથી. આવા વિરલ સ્મારક ભવન માટે અગાઉ સરકારી ગ્રાન્ટની રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ મ્યુ. કોર્પોરેશન, જિલ્લા ક્લેકટર કે રાજ્ય સરકારે કોઇ મદદ કરી નથી. આ પ્રકારની વિગતોના સંદર્ભમાં સ્મારક ભવનમાં સંચાલિકા જણાવે છે કે સ્મારક ભવનની સાફ - સફાઇ કર્મચારીઓનાં પગાર, લાઇટ બિલ સહિતનાં નિભાવણી ખર્ચની મદદ માટે સરકારી ગ્રાન્ટ આપવાનીવાત તો એક બાજુ રહી સ્મારક ભવનનું બિલ્ડિંગ પાંચ દાયકા પૂર્વે બનાવ્યું હોવાથી તેના રીનોવેશન માટે પણ દાતાઓ પાસેથી હાથ લાંબો કરી ને કામ પુરૂં કરાવ્યું છે. અત્યારે સ્મારક ભવનના મેદાનમાં જાહેરાતના જે હોર્ડિંગ ગોઠવવામાં આવ્યા છે. તેની આવકમાંથી સરદાર સ્મારક ભવનનો સર્ચ નીકળે છે. બાકી કોઇ આવક નથી. સરદાર સાહેબને જન્મ દિને યાદ કરીને નુતન ભારતના ઘડવૈયા તરીકે તેઓને યાદ કરીએ છીએ. ત્યારે સરકારી   તંત્ર દ્વારા ભવનની જાળવણીમાં આર્થિક સહયોગ નહીં આપીને કરવામાં આવતી ઉપેક્ષા ચિંતાનો મુદ્દો બની રહ્યો છે.