નીટ યુજીના રિઝલ્ટમાં છબરડા, એક વિદ્યાર્થીની 4 જુદી જુદી માર્કશીટ, બેથી ત્રણ વિદ્યાર્થીના માર્ક્સ બદલાયા
NEET UG Exam Irregularities: ધો.12 સાયન્સ પછીના મેડિકલ સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની યુજી નીટના પરિણામમાં ગત વર્ષે છબરડા બાદ આ વર્ષે પણ છબરડાની ફરિયાદો ઉઠી છે. અગાઉ અમદાવાદની એક વિદ્યાર્થીનીના માર્કસ 415ને બદલે 115 થઈ ગયા હોવાની ફરિયાદ બાદ વઘુ બેથી ત્રણ વિદ્યાર્થીઓના માર્કસમાં પણ ફેરફાર થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. આ મુદ્દે હવે આગામી દિવસોમાં મામલો કોર્ટમાં પણ પહોંચે તેવી શક્યતા છે.
એનટીએ દ્વારા લેવાયેલી નીટનું ગત 14 જૂને પરિણામ જાહેર થયા બાદ હાલ રાજ્યમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ-વાલીઓની પરિણામમાં માર્કસ ફેરબદલીની ફરિયાદ ઉઠી છે. ભવ્ય મકવાણા નામના એક વિદ્યાર્થીની તો ઓનલાઇન જુદી જુદી માર્કશીટ નીકળી હોવાનું સામે આવ્યું છે.
વિદ્યાર્થીના પિતાએ કરેલી ફરિયાદ મુજબ રિઝલ્ટના દિવસે ઓનલાઇન પરિણામ ચેક કરાતાં 720માંથી 415 માર્કસ હતા અને કાઉન્સેલિંગ સમયે 115 માર્કસ ઓનલાઇન દેખાતા અને બે દિવસ પહેલા ચેક કરતાં 720માંથી 500 માર્કસ હતા અને હવે 550 માર્કસ દેખાય છે. આમ ચારેય જુદા જુદા માર્કસ સાથેની ઓનલાઇન માર્કશીટ ડાઉનલોડ થઈ છે. જો ખરેખર આ રીતે માર્કસ બદલાતા હોય તો ખરેખર આ કોઈ મોટો છબરડો કે ગોટાળો હોવાની પણ ચર્ચા છે.
આ મુદ્દે એનટીએને પણ ઓનલાઇન ફરિયાદ થઈ છે અને આગામી સમયમાં વાલીઓ દ્વારા આ મુદ્દે હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવે તેવી શક્યતા છે. હાલ મેડિકલ પ્રવેશ માટેનું રાજ્યમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલુ છે અને મેરિટ જાહેર થયું નથી તેમજ પ્રવેશ ફાળવણી શરુ થઈ નથી ત્યારે ગુજરાતના ૩થી 4 વિદ્યાર્થીના આ રીતે નીટમાં માર્કસ બદલાઈ જવાની ફરિયાદોને પગલે એનટીએ સામે ફરી વિરોધ ઊભો થયો છે.