Gujarat

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે

By GS TEAM
21 Jun 20262 mins read
TukuTouch Logo
વિરોધ, આક્રોશ અને લાખો વિદ્યાર્થી-વાલીઓની ચિંતા વચ્ચે આવતીકાલે ૨૧ જૂને દેશભરના અને વિદેશના મળીને ૫૪૪૦ કેન્દ્રોમાં ફરીવાર નીટ લેવામાં આવશે. જો કે મળતી માહિતી મુજબ ગુજરાતના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ સહિત દેશભરના દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આજે મોડી સાંજ સુધી હોલ ટિકિટ જ ડાઉનલોડ કરી ન હોઈ પરીક્ષા ન આપે તેવી શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે

NEET-UG Exam Live: વિરોધ, આક્રોશ અને લાખો વિદ્યાર્થી-વાલીઓની ચિંતા વચ્ચે આવતીકાલે ૨૧ જૂને દેશભરના અને વિદેશના મળીને ૫૪૪૦ કેન્દ્રોમાં ફરીવાર નીટ લેવામાં આવશે. જો કે મળતી માહિતી મુજબ ગુજરાતના 300થી વધુ વિદ્યાર્થીઓ સહિત દેશભરના દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આજે મોડી સાંજ સુધી હોલ ટિકિટ જ ડાઉનલોડ કરી ન હોઈ પરીક્ષા ન આપે તેવી શક્યતા છે. પ્રથમવાર નીટમાં ૧૫ મીનીટનો સમય વધુ આપવામાં આવતા સવા ત્રણ કલાકની પરીક્ષા રહેશે. ગુજરાતના 78801 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અગાઉ કરતા વિદ્યાર્થી ઘટ્યા છે.

ગત્ત પરીક્ષામાં પેપર લીક થયા બાદ રદ્દ કરાઇ હતી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગત ૩ મેના રોજ લેવાયેલી નીટ પરીક્ષા બાદ પેપર લીકની ઘટના સામે આવતા એનટીએ દ્વારા પરીક્ષા રદ કરીને 21 જૂને ગોઠવવામાં આવી હતી. એનટીએ સહિત કેન્દ્ર સરકારની શાખ બચાવવા માટે મોટા પડકારરૂપ આ ફરીવારની નીટ રવિવારે દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 કેન્દ્રો સહિત 5440 કેન્દ્રોમાં લેવાશે. એનટીએ દ્વારા એક સપ્તાહ પહેલાં એક્ઝામ એડમિટ કાર્ડ (હોલટિકિટ) ઓનલાઇન ઈસ્યુ કરી દેવાયા હતા.

દોઢ લાખથી વધારે વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા નથી

જો કે મળતી માહિતી મુજબ આજે મોડી સાંજ સુધીમાં દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓએ એડમિટકાર્ડ ડાઉનલોડ કર્યા નથી. એનટીએ દ્વારા અનેકવાર સૂચના-મેસેજ આપવા છતાં વિદ્યાર્થીઓએ એડમિટકાર્ડ ડાઉનલોડ ન કરતાં 21 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપે તેવો અંદાજ. અગાઉની નીટમાં 22.79 લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. એનટીએ દ્વારા કેટલાક સેન્ટરો રદ કરાયા છે અને કેટલાક નવા સેન્ટરો નક્કી કરવામા આવ્યા છે. ગુજરાતમાં પણ કેટલાક સેન્ટરો બદલાતા અમદાવાદ સહિતના 31 શહેરોમાં 211 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે. અમદાવાદમાં કુલ 23 સેન્ટરો છે. અમદાવાદના 10500 થી વધુ સહિત ગુજરાતના 78801 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એનટીએ દ્વારા પ્રથમવાર એરફોર્સની સુરક્ષા સાથે પેપરો પહોંચાડી દેવાયા છે.

સેન્ટરો પર પાંચ લેયરમાં કડક સુરક્ષા

પરીક્ષા કેન્દ્રો પર આ વખતની નીટમાં પાંચ લેયરની કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. અમદાવાદના 23માંથી 12 કેન્દ્રોમાં સીએપીએફ અને 11 કેન્દ્રોમાં સીઆરપીએફનો બંદોબસ્ત છે. સીએપીએફ અને સીઆરપીએફના બે બે જવાનો ઉપરાંત દરેક સેન્ટરમાં 8 પોલીસ જવાનો સહિત 40થી 50નો સ્ટાફ પણ રહેશે. કલેક્ટર દ્વારા તમામ કેન્દ્રોમાં મામલતદારને પણ મુકાયા છે અને એસડીએમના ચાર-ચાર અધિકારી પણ રહેશે. આમ કલેક્ટર, પોલીસ, એસડીએમ, સેન્ટ્રલફોર્સ અને એનટીએ સ્ટાફ સહિત કુલ પાંચ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

નીટ દ્વારા કરાયેલી વ્યવસ્થા

5440 કેન્દ્રોમાં 95 હજાર રૂમ

135860 સીસીટીવી કેમેરા

51311 જામર્સ રહેશે

38795 ફ્રિસ્કિંગ (ચેકિંગ) સ્ટાફ

48448 બાયોમેટ્રિક વેરિફિકેશન સ્ટાફ

5600 ઓબ્ઝર્વર્સ તેનાત રહેશે

100 વર્ચ્યુઅલ ઓબ્ઝર્વર્સ

1500 બેંક બ્રાંચોમાં ખાનગી મટીરીયલ

700 કલેક્શન સેન્ટર ઓએમઆર માટે

2 લાખ ઈન્વિજિલેટર્સ રહેશે

2 લાખ જેટલા પોલીસ જવાનોની સુરક્ષા