નીટ પરીક્ષાનું પેપર અઘરું અને લાંબુ, મેરિટ નીચું જવાની શક્યતા
વડોદરાઃ ધો.૧૨ સાયન્સ પછી મેડિકલ સહિતની વિવિધ બ્રાન્ચમાં પ્રવેશ માટે વડોદરા સહિત દેશભરમાં આજે નીટ(નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા લેવામાં આવી હતી.જોકે આજનું પેપર વિદ્યાર્થીઓની અપેક્ષા કરતા અઘરુ અને લાંબુ હતું અને તેના કારણે ગત વર્ષ કરતા આ વર્ષે મેરિટ નીચું જશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
પેપર આપીને ઘણા વિદ્યાર્થીઓ હતાશ અને ઉદાસ થઈને પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળતા જોવા મળ્યા હતા.નીટના પેપરમાં બાયોલોજીના પ્રશ્નો અંગે શિક્ષક કેતન પટેલે કહ્યું હતું કે, બાયોલોજી સેક્શનમાં વિધાન અને જોડકા પ્રકારના પ્રશ્નો વધારે હતા.પેપર ખૂબ લાંબુ અને વધારે સમય માગી લે તેવું હતું.પરિણામે પેપરમાં ઉંચો સ્કોર કરવો વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બનશે.જે વિદ્યાર્થીઓએ ધો.૧૧ અને ૧૨ના પાઠય પુસ્તકોનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હશે તેમના વધારે માર્કસ આવશે.
કેમેસ્ટ્રી સેક્શન અંગે શિક્ષક કમલનયન ભટ્ટે કહ્યું હતું કે, ૩૦ પ્રશ્નો પાઠય પુસ્તક આધારિત અને સરળ હતા.બાકીના ૧૫ સવાલો ગણતરી આધારિત અને વિદ્યાર્થીઓની કસોટી કરી લે તેવા અને વધારે સમય માગી લે તેવા હતા.જ્યારે ફિઝિક્સ સેક્શન અંગે શિક્ષક પવન પટેલે કહ્યું હતું કે, ફિઝિક્સના સવાલો અઘરા હતા.પ્રશ્નોમાં જે રકમ પૂછવામાં આવી હતી તે લાંબી હતી અને તેથી રકમ વાંચીને વિદ્યાર્થીઓનો તેને સમજવામાંવ ધારે સમય ગયો હતો.એક મિનિટમાં પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ હતો.વિદ્યાર્થીઓના ઘણા પ્રશ્નો છૂટી ગયા હશે.
પરીક્ષા કેન્દ્રો પર એન્ટ્રી મેળવવા લાઈનો
વડોદરામાં ૧૭ કેન્દ્રો પર ૬૦૯૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
વડોદરામાં ૧૭ કેન્દ્રો પર નીટ પરીક્ષા લેવામાં આવી હતી.પરીક્ષા કેન્દ્રો પર સવારના ૧૧ વાગ્યાથી એન્ટ્રી શરુ કરી દેવામાં આવી હતીે.જેના કારણે ઘણા કેન્દ્રો પર લાંબી લાઈનો જોવા મળી હતી.વિદ્યાર્થીઓનું કડક ચેકિંગ કર્યા બાદ જ પરીક્ષા કેન્દ્રની અંદર એન્ટ્રી અપાતી હતી.કોમર્સ ફેકલ્ટી ખાતેના પરીક્ષા કેન્દ્ર પર ચેકિંગ ધીમું હોવાથી વિદ્યાર્થીઓને એન્ટ્રીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કહીને કેટલાક વાલીઓએ બૂમો પણ પાડી હતી.
વડોદરામાં ૧૭ કેન્દ્રો પર ૬૦૯૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૩૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.આમ વડોદરામાં નીટ પરીક્ષામાં ૯૭.૮૦ ટકા હાજરી નોધાઈ હતી.