એલ.જી.હોસ્પિટલ પાસે આવેલા ઝઘડા બ્રિજ ઉપર રેલીંગનો ભાગ તોડી વાહન ચાલક ફરાર
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સી.સી.ટી.વી. ફુટેજ મેળવી કાર્યવાહી કરાશે
અમદાવાદ, સોમવાર,27 ઓકટોબર,2025
અમદાવાદના મણિનગર વિસ્તારની એલ.જી.હોસ્પિટલ પાસે આવેલ
નાથાલાલ ઝઘડા ઓવરબ્રિજ ઉપર રવિવારે રાતના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલક બ્રિજ ઉપર
આવેલી રેલીંગનો કેટલોક ભાગ તોડી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સી.સી.ટી.વી.ફુટેજ મેળવી કાર્યવાહી કરવામા આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, રવિવારે રાતે
એલ.જી.હોસ્પિટલથી ખોખરા તરફ જતા ઝઘડા ઓવરબ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે તેનુ વાહન
બેદરકારીથી હંકારતા રેલીંગનો અમુક ભાગ તૂટી પડયો હતો.આ બનાવને લઈ કોર્પોરેશને
રેલીંગનું સમારકામ કરવાની સાથે વાહન ચાલકને શોધવા તજવીજ શરુ કરી છે.અગાઉ પણ એક વખત
આ બ્રિજ ઉપર કોઈએ રેલીંગનો અમુક ભાગ તોડી પાડયો હતો.જેનુ તંત્રે સમારકામ કર્યુ
હતુ.વારંવાર આ પ્રકારની ઘટના ના બને એ માટે હવે કાયદેસરની કાર્યવાહી કરવા નિર્ણય
કરવામા આવ્યો છે.

