કપુરાઇ ચોકડી નજીક બે વાહન ચાલકોને પીકઅપ વાને ટક્કર મારતા એકનું મોત

વડોદરા,હાઇવે કપુરાઇ ચોકડી પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ વાહન ચાલકો ઉભા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલી પીકઅપ વાનના ચાલકે બે થી ત્રણ વાહનોને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું. જ્યારે મહિલાના પતિ સહિત ત્રણને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વાઘોડિયા રોડ હઠેસિંહ નગરમાં રહેતા વિક્રમભાઇ મંગલસિંહ વણજારા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમની દીકરીનું લગ્ન ગોધરાના સાપા ગામે થયા હતા. દીકરીના ઘરે સંતાનનો જન્મ થયો હોઇ વિક્રમભાઇ અને તેમના પત્ની મોપેડ લઇને ગોધરા ગયા હતા. ગોધરાથી તેઓ ઘરે પરત આવતા હતા. કપુરાઇ ચોકડી નજીક ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ તેઓ મોપેડ લઇને ઉભા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી પીક અપ વાનના ચાલકે વિક્રમભાઇ તથા અન્ય એક મોપેડ ચાલકને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાયા હતા. વિક્રમભાઇને માથામાં ડાબી બાજુ, ચહેરા પર તથા તેમના પત્ની આશાબેનને માથામાં ગંભીર ઇજા થઇ હતી. આશાબેનનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે અન્ય મોપેડ પર જતા મિતેશભાઇ જ્યંતિભાઇ ભાટિયા, ઉં.વ.૪૨ અને તેમના પુત્ર દર્શન, ઉં.વ.૧૩ ( બંને રહે. અનંતા શુભ - લાભ સોસાયટી, ગાયત્રી મંદિર સામે, વાઘોડિયા રોડ) ને પણ ઇજાઓ પહોંચી હતી. મિતેશભાઇને માથામાં પાછળ, કમર તથા ખભા પર અને તેમના દીકરાને જમણા પગે, ખભે અને ઘુંટણ પર ઇજા થઇ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી પીકઅપ વાનના ચાલક દિપક ધર્મેન્દ્રભાઇ ચૌહાણને ઝડપી પાડયો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે, મેં બ્રેક મારી હતી. પરંતુ, બ્રેક નહીં વાગતા અકસ્માત થયો હતો.
વહેલી સવારે હાઇવે પર વાહનની અડફેટે મહિલાનું મોત
વડોદરા,
ે વહેલી સવારે વાઘોડિયા ચોકડીથી કપુરાઇ ચોકડી તરફ જતા રોડ પર એક અજાણી મહિલાને વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત મહિલાનું મોત થયું હતું. કપુરાઇ પોલીસે ઇજાગ્રસ્ત મહિલાની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.








