Get The App

આસ્ટોડીયા દરવાજા પાસે આવેલા નવમાળના સના-૭ બિલ્ડિંગને તોડવાની કામગીરી અંતે શરુ કરાઈ

સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા પુરબીયાવાડની અંદર ગેરકાયદે નવ માળ સુધી ફલેટનું બાંધકામ કરી નાંખ્યુ હતુ

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
આસ્ટોડીયા દરવાજા પાસે આવેલા  નવમાળના સના-૭ બિલ્ડિંગને તોડવાની કામગીરી અંતે શરુ કરાઈ 1 - image


અમદાવાદ,સોમવાર,14 જુલાઈ,2025

અમદાવાદના આસ્ટોડીયા દરવાજા પાસે સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા ગેરકાયદે બનાવાયેલા નવ માળના સના-૭ નામના બિલ્ડિંગને તોડવાની કામગીરી અંતે મ્યુનિસિપલ કોર્પોરેશને શરુ કરી છે.સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પુરબીયાવાડની અંદર બે પેન્ટ હાઉસ સાથે બાંધવામાં આવેલા સના-૭ બિલ્ડિંગના સાત, આઠ અને નવ માળના ફલેટ તોડી પડાયા હતા. આ અગાઉ બિલ્ડિંગના વીજ,પાણી અને ગટરના જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતા.સલીમ જુમ્માખાને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે હાઈકોર્ટમાં માંગેલી દાદ ઉપર હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી.

આસ્ટોડીયા દરવાજા પાસે આવેલા યુસુફ સૈયદ ગાર્ડન પાસે એક ફલોર ઉપર દસ ફલેટ મળી કુલ ૮૭ ફલેટ વર્ષ-૨૦૧૯માં ગેરકાયદેસર બાંધી દેવામાં આવ્યા હતા.વર્ષ-૨૦૧૯થી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ગેરકાયદેસર બાંધવામાં આવેલા આ બિલ્ડિંગને તોડી પાડવા પ્રયાસ કરવામાં આવી રહયા હતા. જી.પી.એમ.સી. એકટ મુજબ, ગેરકાયદેસર બાંધકામને આગળ વધતુ અટકાવવાથી લઈને તેને તોડી પાડવા સુધી અનેક વખત નોટિસ અપાઈ હતી. ચાર વખત બિલ્ડિંગ સીલ કરાયુ હતુ. આમ છતાં કોર્પોરેશને મારેલુ સીલ તોડી બાંધકામ પુરુ કરાયુ હતુ, ઉપરાંત લોકો આ બિલ્ડિંગમાં રહેવા પણ આવી ગયા હતા.નોંધપાત્ર બાબત તો એ છે કે, વર્ષ-૨૦૨૦ સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ બિલ્ડિંગને તોડી પાડવા છ વખત તથા વર્ષ-૨૦૨૫માં પાંચ વખત એમ કુલ મળીને અગીયાર વખત પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો.તે પછી સોમવારે સવારથી પોલીસ બંદોબસ્ત સાથે સના-૭ બિલ્ડિંગને તોડવાની કામગીરી શરુ કરાઈ હતી. આ કામગીરી હજુ બે કે ત્રણ દિવસ ચાલશે.

નવ માળનું બિલ્ડિંગ ઉભુ થવા દેનારા અધિકારીઓ સામે કાર્યવાહી નહીં

આસ્ટોડીયા દરવાજા પાસે નવ માળનુ ગેરકાયદે બિલ્ડિંગ કોર્પોરેશનના અધિકારીઓની નજર સામે જ છ વર્ષ પહેલા બંધાઈ ગયુ હતુ. આમ છતાં અધિકારીઓએ નોટિસ આપવાની અને સીલ કરવાની જ કાર્યવાહી કરી હતી.સલીમ જુમ્માખાને વર્ષ-૨૦૧૯માં કોર્પોરેશનની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. છ વર્ષથી કોઈ ઓર્ડર પણ કરાયો નથી. લીગલ કમિટીની પાંચ મહીના પહેલા મળેલી બેઠકમાં કોર્ટનો સ્ટે નહીં હોવાછતાં સના-૭ સહીતના અન્ય ગેરકાયદેસર બિલ્ડિંગ નહીં તોડનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા સુચનાઅપાઈ હતી.જેનો પાંચ મહીના પછી પણ કોર્પોરેશને કોઈ અધિકારીને આ બાબતમાં શોકોઝ આપીને ખુલાસો પુછવાની પણ તસ્દી સુધ્ધા લીધી નથી.

Tags :