Gujarat

ભાવનગર અને બોટાદમાં એનડીઆરએફની ટીમોએ કર્યું 57 લોકોનું રેસ્ક્યુ

By GS TEAM
18 Jun 20251 min read
ભાવનગર અને બોટાદમાં એનડીઆરએફની ટીમોએ કર્યું 57 લોકોનું  રેસ્ક્યુ


રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફ તથા એસડીઆરએફ ટીમોને મેદાનમાં ઉતારાઇ છે. વડોદરાના જરોદ ખાતેથી પણ છઠ્ઠી બટાલિયન એનડીઆરએફની ચાર ટીમો સૌરાષ્ટ્ર તરફ રવાના થઈ હતી. એનડીઆરએફની ટીમોએ ભાવનગર તથા બોટાદમાં વિકટ પરિસ્થિતિ વચ્ચે 57 લોકોનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું.

ગતરોજ તા. 17 જૂને બોટાદ જિલ્લાના પીપળીયા ગામમાં ભારે વરસાદના કારણે 22 લોકો પૂરના ધસમસતા પાણીમાં ફસાયા હતા. ઘટના અંગેનો સંદેશો મળતા જ છઠ્ઠી બટાલીયન એનડીઆરએફની 30 કર્મીઓની વિશેષ ટીમ રવાના થઈ હતી. અને બે તબક્કામાં બચાવ કાર્ય હાથ ધરી નાના બાળકો તથા પુરુષો સહિત કુલ  22 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડી જરૂરી સુવિધા પૂરી પાડી હતી. જ્યારે ભાવનગર સિહોરના ઘાંઘળી ખાતેથી પણ એનડીઆરએફની ટીમોએ 35 લોકોનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. આમ, એનડીઆરએફ ટીમના જવાનોએ તંત્ર સાથે સંકલન કરી અંધારપટ અને વિકટ પરિસ્થિતિમાં પાણીના વ્હેણ વચ્ચેથી જીવના જોખમે ફરજ બજાવી સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યા હતા. મહત્વનું છે કે, એસડીઆરએફ તથા ફાયરબ્રિગેડની ટિમો પણ સતત રેસ્ક્યુ કામગીરીમાં છે. પૂર જેવા પાણીમાં માર્ગો જળમગ્ન થઈ જતાં વાહન વ્યવહાર અને લોકોની અવર-જવર માટે અનેક નાના મોટા રસ્તાઓ બંધ થઈ ગયા હતા.